Tuesday, November 23, 2010

ટ્રેંવ... ટ્રેંવ... કરતા રહો!

કોલેજથી આવીને અમે ફ્લેટ્સના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા ત્યારે એક પીંજારો સાયકલ પર એનું રૂ  પીંજવાનું ધનુષ (કામઠું) લઇ ને આવતો. એ આવે અને બધા ફ્લેટ્સ વચ્ચે આંટો મારી ને સુનો સુનો નીકળી જતો.

એક વાર મેં એને રોક્યો, પૂછ્યું, 'ભાઈ, બધા પીંજારા ધનુષ પર 'ટ્રેંવ.. ટ્રેંવ... ટ્રેંવ... ટ્રેંવ...' એવો અવાજ કરતા કરતા નીકળે છે, તમે કેમ નથી કરતા'?  
એ કહે - 'અંદર જમાદાર સાહેબ બેઠા છે એમણે અવાજ કરવાની ના પાડી છે'. (ઉચ્ચ સરકારી અધિકારીઓની કોલોની હતી એટલે)
મે કહ્યું - 'તમે અવાજ નહિ કરો તો તમને ધંધો કેમ મળશે'?
એણે આકાશ સામું જોયું! હું સમજી ગયો.

હું તરત ડ્યુટી પરના કોન્સ્ટેબલ પાસે ગયો અને સમજાવ્યું કે બપોરે ૧૨ થી ૪ સિવાય કોઈને રોકવા નહિ. એ સમજી ગયો.મે પિંજારા ભાઈ ને ફરી 'ટ્રેવ.. ટ્રેવ... ટ્રેવ... ટ્રેવ...' કરતાં કરતાં આંટો મારવાનું કહ્યું. મે પણ એક બે વાર ટ્રેંવ.. ટ્રેંવ...  વગાડી લીધું હોં કે!

આંટો મારી ને એ અડધા કલાકે પાછા આવ્યા, એક ગ્રાહક પતાવીને!

કૃતજ્ઞતા ભરી નજરે મારી સામે જોતા જોતા એ ભાઈ મેઈન ગેઈટની બહાર નીકળી ગયા! અલબત્ત, 'ટ્રેંવ.. ટ્રેંવ... ટ્રેંવ... ટ્રેંવ...' કરતા કરતા!

આ વખતે એના 'ટ્રેવ.. ટ્રેવ...' માં મને ગાંડીવનો ટંકાર સંભળાયો!

Moral of the Story: 'ટ્રેંવ.. ટ્રેંવ... ટ્રેંવ... ટ્રેંવ...' કરતા રહો!
--
by Badhir Amdavadi on Thursday, September 23, 2010 at 7:34pm

No comments:

Post a Comment