Tuesday, December 21, 2010

૫૦ એ મારા માટે ફક્ત એક આકડો છે - સચિન!

સચિને સેન્ચુરિયન પર ઐતિહાસિક પચાસમી સદી ફટકારી અને પછી કોઈ હરખ પદુડો ચેનલવાળો કેમેરા અને માઈક લઈને 'આપકો કૈસા લગતા હૈ' પૂછવા પહોચી ગયો! પણ સચિન જેનું નામ, કાયમની જેમ ભોય ભેગો સોરી ડાઉન ટુ અર્થ જ રહ્યો! ૫૦ એ મારા માટે ફક્ત એક આકડો છે - આ સચિન જ કહી શકે. પણ અમને ચિંતા એ વાતની છે કે જો બીજા સચીનનો વાદ લેવા માંડશે તો?

ઉદાહરણ તરીકે હમણા જ શરદ પવાર નામનાં બાવાએ બાર વર્ષે ફરી એની એ CD વગાડી છે! (હા, CD! રેકોર્ડ/ ટેપના જમાના ગયા, CDને પણ ૧૨ વર્ષ ઉપર થયા બોસ) આ વખતે શરદગીરી દાળવડાના ભાવે મળતી ડુંગળી વિષે બોલ્યા છે. એમણે તો કહી નાખ્યું કે 'બે મહિના સુધી ડુંગળીના ભાવ નહિ ઘટે'! પણ આવું બોલતી વખતે એ આપણો  વિચાર કેમ નહિ કરતા હોય? કદાચ રૂપિયા ૮૦ પ્રતિ કિલોનો ભાવ એમના માટે માત્ર એક આકડો જ હશે!

હવે જો કોમન વેલ્થ કિંગ કલમાડી એમ કહે કે રૂ ૬૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ એ મારા માટે માત્ર એક આકડો છે તો! પત્યું? આપણે તો નાહી જ નાખવાનું ને!

આવો જ જવાબ  ૮૬ વર્ષ ની ઉમરે 'ચાર્જ શીટ' નામની વધુ એક ફ્લોપ ફિલ્મ ખેંચી કાઢનારા દેવ આનંદ પાસે થી મળે કે ૮૬ એ મારેં માટે એક આકડો જ છે.

લાલુજી ને ૯ બાળકો છે. હવે એમના માટે ૯ માત્ર એક આકડો હોઈ શકે પણ જો ભારતની જનતા જો એમનો વાદ લે તો! બાય ધ વે એક આડ વાત. અમે ગૂગલ પર લાલુજીનાં બાળકોના નામ માટે સર્ચ કર્યું તો અમને જવાબ મળ્યો No results found for 'Names of Laloo's Children'!!! લો બોલો, લાલૂજી ની આટલી બધી 'મહેનત'માં ગૂગલને કોઈ 'Result' જ દેખાતું નથી! અહી રાબડીજીની કેવી પરીક્ષા થઈ હશે એ કદાચ ગૂગલની ખ્યાલ બહાર ગયું લાગે છે!

હવે જો જો ગૂગલ ને લાલુજી નાં બાળકોના નામના ખબર ન હોય તો લાલૂજી ને પોતાને ખબર હોવાની શક્યતા કેટલી? ના ના આતો વાત થાય છે. કદાચ ગૂગલને પૂછો તો એ કહી દે કે ગમે તેની જાન માં જાનૈયા થઇ જતા તમારા મીડિયા માટે લાલૂ ખાસ હશે પણ અમારા માટે એ બસ એક 'નામ' છે!

કા કહત હો બબુઆ.....

Saturday, December 18, 2010

સિહેં અદાલતને પટાવવા ખાતર ત્રાડ પાડી તો ખરી, પણ કેવી? વાછૂટ જેવી!

અમને તો મજ્જા પડી ગઈ આ ન્યુઝ આઇટમ વાંચીને!
સિંહની ડણક સાંભળીને ભવૈયાઓ ભવાઈ પડતી મૂકી ને ભાગી ગયા! હા હા હા....

અરેરેરે..... ડૂબી મરો ફટટુસો! ફટ છે તમને!
ખાલી સિંહની ડણક સાંભળીને મોળા પડી ગયા?

અરે આપણે તો ભવૈયા કહેવાઈએ. આવી ડણકોથી ગભરાઈ જઈએ તો ભવાઈ કેવી રીતે કરીશું? હિંમત રાખી ને જરા રોકાઈ ને જોવું તો હતું કે સિંહ જંગલનો હતો કે તમારી જેમજ ખેલ બતાવવા આવેલા સર્કસનો!

આજુ બાજુ જુઓ બીજી ભવાઈ મંડળીઓ ને, કેવી બહાદુરીથી વેશ ભજવે છે! આ મુંબઈની આદર્શ ભવાઈ મંડળી ને જુઓ. કેવો અસલ ખેલ પાડી ગઈ? છે કોઈ ને ભય? આ પેલી દિલ્હી ની CWG ભવાઈ મંડળીને જુઓ. કેવો ઈન્ટરનેશનલ વેશ ભજવી ગઈ! ઇટાલિયન સ્ટ્રેપસીલ્સની ગોળીઓ ખાઈ મીંદડી ની મ્યાઉં જેવા અવાજે જંગલનો રાજા સિંહ ડણકતો રહ્યો અને હજ્જારો કરોડનું ઉઘરાણું કરી ગઈ!

પણ ભાયડાતો 'મોબાઈલવાળા રાજા' નો વેશ ભજવતી ભવાઈ મંડળીના! જંગલના રાજાની નજર સામે 'મોબાઈલવાળા રાજા' નો એવો તે વેશ ભજવી ગયા કે સિંહ પોતે ત્રાડ તો શું સાદું મ્યાઉં બોલવાનું ભૂલી ગયો! અરે જંગલની અદાલતના ન્યાયમૂર્તિએ ખુદે સિંહને હુકમ કર્યો કે જંગલને કેશ વિહીન વિપ્ર-વનીતાનું કૃષિક્ષેત્ર સમજતા આ ભવૈયાઓને સીધા કરો ત્યારે સિહેં અદાલતને પટાવવા ખાતર ત્રાડ પાડી તો ખરી, પણ કેવી? વાછૂટ જેવી! પણ આ જાણભેદુ ભવાઈ મંડળી ને ખબર જ હતી કે આ દાંત-નખ વગરનો સિંહ ખાલી 'ડણક બહાદુર' છે અને ભવૈયાઓને ભગાડવાનું કામ એમના ઇટાલિયન રિંગમાસ્ટરે સીલેબસમાં રાખ્યું જ નથી! એટલે એમને બિન્ધાસ્ત ખેલ ભજવે રાખ્યો!

આ બાજુ સિંહને પણ આવું બધું ફાવી ગયું છે. કઈ પણ થાય એટલે એક ડણક મારી દેવાની એટલે કામ પૂરું!
કૌભાંડ થયું? મારો ડણક!
વધુ મોટુ કૌભાંડ થયું? તો વધુ 'કડક' ડણક મારો!
પડોશના જંગલના શિયાળિયા આવીને ભડાકા કરી ગયા? મારો ડણક!

આનાથી વધુ કઈ થયું નથી અને થવાનું પણ નથી! એટલે જરા હિંમત રાખો અને ભુંગળ, નરઘા-પેટી સજાવો અને નીત નવા ભવાઈનાં નવા નવા વેશ કાઢવાનું ચાલુ રાખો!

પબ્લીકને પણ આ 'તા તા થૈયા થૈયા તા થઇ' માં મજા આવતી હશે એટલે જ તો 'ડણકબહાદુર સિંહ ' ને પોંખી ને બેસાડ્યા હશે ને!!!
એટલે તમ તમારે થવાદો તા...તા...થૈયા...થૈયા... તા થઇ ભલા!
હોવ..... 


સમાચાર સૌજન્ય: દિવ્ય ભાસ્કર, અમદાવાદ.

Tuesday, November 23, 2010

ટ્રેંવ... ટ્રેંવ... કરતા રહો!

કોલેજથી આવીને અમે ફ્લેટ્સના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા ત્યારે એક પીંજારો સાયકલ પર એનું રૂ  પીંજવાનું ધનુષ (કામઠું) લઇ ને આવતો. એ આવે અને બધા ફ્લેટ્સ વચ્ચે આંટો મારી ને સુનો સુનો નીકળી જતો.

એક વાર મેં એને રોક્યો, પૂછ્યું, 'ભાઈ, બધા પીંજારા ધનુષ પર 'ટ્રેંવ.. ટ્રેંવ... ટ્રેંવ... ટ્રેંવ...' એવો અવાજ કરતા કરતા નીકળે છે, તમે કેમ નથી કરતા'?  
એ કહે - 'અંદર જમાદાર સાહેબ બેઠા છે એમણે અવાજ કરવાની ના પાડી છે'. (ઉચ્ચ સરકારી અધિકારીઓની કોલોની હતી એટલે)
મે કહ્યું - 'તમે અવાજ નહિ કરો તો તમને ધંધો કેમ મળશે'?
એણે આકાશ સામું જોયું! હું સમજી ગયો.

હું તરત ડ્યુટી પરના કોન્સ્ટેબલ પાસે ગયો અને સમજાવ્યું કે બપોરે ૧૨ થી ૪ સિવાય કોઈને રોકવા નહિ. એ સમજી ગયો.મે પિંજારા ભાઈ ને ફરી 'ટ્રેવ.. ટ્રેવ... ટ્રેવ... ટ્રેવ...' કરતાં કરતાં આંટો મારવાનું કહ્યું. મે પણ એક બે વાર ટ્રેંવ.. ટ્રેંવ...  વગાડી લીધું હોં કે!

આંટો મારી ને એ અડધા કલાકે પાછા આવ્યા, એક ગ્રાહક પતાવીને!

કૃતજ્ઞતા ભરી નજરે મારી સામે જોતા જોતા એ ભાઈ મેઈન ગેઈટની બહાર નીકળી ગયા! અલબત્ત, 'ટ્રેંવ.. ટ્રેંવ... ટ્રેંવ... ટ્રેંવ...' કરતા કરતા!

આ વખતે એના 'ટ્રેવ.. ટ્રેવ...' માં મને ગાંડીવનો ટંકાર સંભળાયો!

Moral of the Story: 'ટ્રેંવ.. ટ્રેંવ... ટ્રેંવ... ટ્રેંવ...' કરતા રહો!
--
by Badhir Amdavadi on Thursday, September 23, 2010 at 7:34pm

Friday, November 19, 2010

બધિર હું કે તું?

એપ્લાય કરીને બેઠો છું જરા રીપ્લાય તો કર,
પેંડીન્ગ છે ડિમાન્ડ મારી, કંઇ સપ્લાય તો કર!

સરે આમ નીકળ્યો છે મારી મુસીબતોનો વરઘોડો,
હવે દાઝ્યા પર ડામ જેવો આ ડાન્સ તો ના કર!

તું સુદામા અને અર્જુનનો તો હતો, મારો શું છે?
તું ભાઇબંધ છે કે ભાડુઆત એનો ફડચો તો કર.

આગ લાગી છે આ જીવતરમાં જરા ટાઢીતો કર,
ખાલી સાબુ લગાડી બેસાડ્યો છે દાઢી તો કર!

-'બધિર' અમદાવાદી

Sunday, November 14, 2010

લગ્ન - ૫૦% સુખની ગેરંટી!

તમે જો મારો ફૂલદાની,
અને અમે ચૂકવી દઇએ તો અમે ખુશ,
નહીતર તમે ખુશ!

તમારા નસકોરાં બોલે,
એ પહેલા સુઈ જઈએ તો અમે ખુશ,
નહીતર તમે ખુશ!

તમારા પિયરિયા આવે,
અને અમે પરગામ હોઈએ તો અમે ખુશ,
નહીતર તમે ખુશ!

ધોઇ-ઉટકીને ઢળી પડ્યા,
હવે કોઇ સારો રામલો મળે તો અમે ખુશ,
નહિતર તમે ખુશ!

બાજુનું ઘર ખાલી થયું,
હવે કોઈ સુંદર પડોશણ મળે તો અમે ખુશ,
નહીતર તમે ખુશ!

આતો લગ્ન ગ્રંથી છે પ્રિયે,
કંઇ કરતાં જો છુટે તો અમે ખુશ,
નહિતર તમે ખુશ!

આ ભવમાં ભલે મળ્યા,
આવતે ભાવ બીજી મળે તો અમે ખુશ,
નહીતર તમે ખુશ!
- 'બધિર'

Wednesday, November 3, 2010

બસ નશો જ નશો છે!

વાસણાનો રહીશ મઘમઘતો જો જણાય,
તો એ સુએજ ફાર્મની વાસનો નશો છે.

ક્રિકેટના લાઈવ ટેલીકાસ્ટમાં સરકારી સાહેબ જો દેખાય,
તો એ મફત માં મળેલા પાસનો નશો છે.

વહેલી સવારે કોઈ વીરો ઝૂમતો જો દેખાય,
તો એ રાત્રે છીપાવેલી પ્યાસનો નશો છે.

ગાળામાં હાર ને મોં પર ગુલાલ સાથે નો નેતા જો દેખાય,
તો એ પ્રજાએ દર્શાવેલા વિશ્વાસ નો નશો છે.

ચાર રસ્તે ડોલતી, મદમાતી ગાય જો દેખાય,
તો એ ભક્તો એ નીરેલા ઘાસ નો નશો છે.

'જઈ' આવ્યા પછી (ક્યાં એ નહિ પૂછવાનું સપરમા દા'ડે)
હા તો,
'જઈ' આવ્યા પછી  મોં પર હાશ જો દેખાય,
તો એ ત્યાગ પછીની હળવાશ નો નશો છે.
--
'બધિર'