Saturday, December 18, 2010

સિહેં અદાલતને પટાવવા ખાતર ત્રાડ પાડી તો ખરી, પણ કેવી? વાછૂટ જેવી!

અમને તો મજ્જા પડી ગઈ આ ન્યુઝ આઇટમ વાંચીને!
સિંહની ડણક સાંભળીને ભવૈયાઓ ભવાઈ પડતી મૂકી ને ભાગી ગયા! હા હા હા....

અરેરેરે..... ડૂબી મરો ફટટુસો! ફટ છે તમને!
ખાલી સિંહની ડણક સાંભળીને મોળા પડી ગયા?

અરે આપણે તો ભવૈયા કહેવાઈએ. આવી ડણકોથી ગભરાઈ જઈએ તો ભવાઈ કેવી રીતે કરીશું? હિંમત રાખી ને જરા રોકાઈ ને જોવું તો હતું કે સિંહ જંગલનો હતો કે તમારી જેમજ ખેલ બતાવવા આવેલા સર્કસનો!

આજુ બાજુ જુઓ બીજી ભવાઈ મંડળીઓ ને, કેવી બહાદુરીથી વેશ ભજવે છે! આ મુંબઈની આદર્શ ભવાઈ મંડળી ને જુઓ. કેવો અસલ ખેલ પાડી ગઈ? છે કોઈ ને ભય? આ પેલી દિલ્હી ની CWG ભવાઈ મંડળીને જુઓ. કેવો ઈન્ટરનેશનલ વેશ ભજવી ગઈ! ઇટાલિયન સ્ટ્રેપસીલ્સની ગોળીઓ ખાઈ મીંદડી ની મ્યાઉં જેવા અવાજે જંગલનો રાજા સિંહ ડણકતો રહ્યો અને હજ્જારો કરોડનું ઉઘરાણું કરી ગઈ!

પણ ભાયડાતો 'મોબાઈલવાળા રાજા' નો વેશ ભજવતી ભવાઈ મંડળીના! જંગલના રાજાની નજર સામે 'મોબાઈલવાળા રાજા' નો એવો તે વેશ ભજવી ગયા કે સિંહ પોતે ત્રાડ તો શું સાદું મ્યાઉં બોલવાનું ભૂલી ગયો! અરે જંગલની અદાલતના ન્યાયમૂર્તિએ ખુદે સિંહને હુકમ કર્યો કે જંગલને કેશ વિહીન વિપ્ર-વનીતાનું કૃષિક્ષેત્ર સમજતા આ ભવૈયાઓને સીધા કરો ત્યારે સિહેં અદાલતને પટાવવા ખાતર ત્રાડ પાડી તો ખરી, પણ કેવી? વાછૂટ જેવી! પણ આ જાણભેદુ ભવાઈ મંડળી ને ખબર જ હતી કે આ દાંત-નખ વગરનો સિંહ ખાલી 'ડણક બહાદુર' છે અને ભવૈયાઓને ભગાડવાનું કામ એમના ઇટાલિયન રિંગમાસ્ટરે સીલેબસમાં રાખ્યું જ નથી! એટલે એમને બિન્ધાસ્ત ખેલ ભજવે રાખ્યો!

આ બાજુ સિંહને પણ આવું બધું ફાવી ગયું છે. કઈ પણ થાય એટલે એક ડણક મારી દેવાની એટલે કામ પૂરું!
કૌભાંડ થયું? મારો ડણક!
વધુ મોટુ કૌભાંડ થયું? તો વધુ 'કડક' ડણક મારો!
પડોશના જંગલના શિયાળિયા આવીને ભડાકા કરી ગયા? મારો ડણક!

આનાથી વધુ કઈ થયું નથી અને થવાનું પણ નથી! એટલે જરા હિંમત રાખો અને ભુંગળ, નરઘા-પેટી સજાવો અને નીત નવા ભવાઈનાં નવા નવા વેશ કાઢવાનું ચાલુ રાખો!

પબ્લીકને પણ આ 'તા તા થૈયા થૈયા તા થઇ' માં મજા આવતી હશે એટલે જ તો 'ડણકબહાદુર સિંહ ' ને પોંખી ને બેસાડ્યા હશે ને!!!
એટલે તમ તમારે થવાદો તા...તા...થૈયા...થૈયા... તા થઇ ભલા!
હોવ..... 


સમાચાર સૌજન્ય: દિવ્ય ભાસ્કર, અમદાવાદ.

No comments:

Post a Comment