Monday, June 6, 2011

ગ્રીષ્મનું ગાન!

(આ હાસ્યલેખ છે)  
માનનીય કવિશ્રી,કુશળ હશો.
    મા સરસ્વતીની પ્રેરણાથી અમે સહુ ગુજરાતી કવિતાના ચાહકોએ ભેગા થઈ ને તડકો, ઉનાળો અને ચૈતર-વૈશાખના વાયરાનો મહિમા ગાનાર કવિઓ માટે એક ખુલ્લું અધિવેશન રાખવાનું વિચારેલ છે અને એમાં એક ઋતુપ્રેમી કવિ તરીકે આપને ભાવભીનુ આમંત્રણ છે.

    અધિવેશનનો તમામ કાર્યક્રમ નક્કી કરી રાખેલ છે પરંતુ હાલમા આકાશ વાદળછાયુ રહેતુ હોઇ તારીખ નક્કી કરેલ નથી. જે નક્કી થયેથી આપને જણાવવામાં આવશે. અધિવેશનનું સ્થળ યુનિવર્સીટી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે રાખેલ છે અને સમય બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા સુધીનો રહેશે. અધિવેશન ખુલ્લું છે અર્થાત અધિવેશનના સ્થળ પર માંડવો કે ચંદરવો બાંધવામાં નહિ આવે!

    અધિવેશનનો હેતુ કવિઓને તાપમાનના આંકડા, તેની લોકજીવન પર અસર અને બાકીની દુનિયાના લોકોની ગરમીની અનુભૂતિથી વાકેફ કરવાનો છે, તેમજ આ વિષય પર કાવ્યો લખવા પાછળનો સર્જકોનો હેતુ તથા સર્જન પ્રક્રિયા વિશે ભાવકો ને પ્રત્યક્ષ નિદર્શન દ્વારા સમજ આપવાની તક આપવાનો જ છે.

    અધિવેશનના સ્થળ પર જ એક કાર્યશાળાનું પણ આયોજન કરેલ છે જેમાં હાજર રહેનાર સર્વે  કવિઓએ ગ્રીષ્મ ઋતુનો મહિમા ગાતા બબ્બે ગીત/ કવિતાઓ સ્થળ પર જ લખી ને જતા પહેલા જમા કરાવવી ફરજીયાત રહેશે. કવિતાઓ સ્થળ પર જ લખવાની રહેશે. ઘરેથી લખી લાવેલી કવિતાઓ પ્રવેશ દ્વાર પાસે રાખેલ મંજૂષામાં  પધરાવવાની રહેશે. સાથે સાથે પોતાની પાસેના ટોપી, રૂમાલ અને નેપકીન પણ ત્યાં જ મૂકી દેવાના રહેશે.

    કવિતાનાં વિષયવસ્તુ અંગેની પ્રેરણા માટે કવિશ્રીએ આસપાસમાં આવેલા વૃક્ષ, લતા મંડપો, વનરાજી, આમ્ર મંજરીઓ, ગુલમહોર, ગરમાળો વગેરેમાંથી સ્થળ પર જે હાજર હોય તેના પર જ આધાર રાખવાનો રહેશે. અધિવેશનના સ્થળે હાંફતું કુતરું, મોર, કોયલ, ચાતક, બપૈયો વગેરે પ્રાણી કે પક્ષીઓ ઉપસ્થિત રહેશે જ એ બાબતે કોઈ ખાતરી આપવામાં આવતી નથી. (અને એ કાયદાકીય રીતે એ પ્રતિબંધિત પણ છે) ઉપરાંત  સ્થળ પર હાજર પક્ષીઓ ટહુકા કે અન્ય અવાજ કરશે જ એની પણ કોઈ ખાતરી આપવામાં આવતી નથી અને એ બોલે એ માટે આયોજકો દ્વારા કોઈ ખાસ પ્રયત્ન પણ કરવામાં નહિ આવે. માટે ‘કોયલ ટહુકે તો કંઈક સુઝે’ એવા વ્યર્થ પ્રલાપ કરવા નહિ. અને આમ પણ મોર અને કોયલ જેવા પક્ષીઓ માટે કવિ જગતને પક્ષપાત હોવાના આક્ષેપો સામે નાવીન્ય ખાતર ગ્રીષ્મના ગાનમાં કાવ્ય સાહિત્યમાં જેમના પ્રત્યે ખુબજ દુર્લક્ષ સેવવામાં આવ્યું છે એવા પક્ષીઓ પૈકીના કાબરો દિવાળી ઘોડો, દૈયડ, ટૂકટૂકીયો, દેવ ચકલી, કાગડો, કાબર, લેલા વગેરેનો ઉલ્લેખ આવે એ આવકાર્ય પણ ગણાશે અને એથી પક્ષી જગતમાં ન્યાયની લાગણી પણ ફેલાશે.

    ‘રાધા અને કૃષ્ણ સર્વ વ્યાપી છે અને એમના પર જેટલું લખો એટલું ઓછું છે’ - સાક્ષરોના આ વિધાન સાથે આયોજકો સંપૂર્ણ સંમત છે. પરંતુ ભાગવાન કૃષ્ણએ ઉનાળામાં કોઈ ખાસ પ્રવૃત્તિ કે લીલા કરી હોય એવું આયોજકોના ધ્યાન પર નથી. વળી શ્રી કૃષ્ણ વનમાં વાસળી વગાડતા, યમુનાજીમાં નહાતા કે ગેડી દડો વગેરે રમતા, પરંતુ એવું બધું એ ગ્રીષ્મ ઋતુમાં જ કરતા એવો કોઈ ઉલ્લેખ મળતો નથી અને કૃષ્ણનું આટલું ધ્યાન રાખનારા યશોદા મૈયા એને એમ તાપમાં રખડવા દે એ વાતમાં પણ માલ નથી. એટલે સદર પાત્રો અધિવેશનના વિષય સાથે સંબંધિત ન હોઈ કવિઓએ ઉર્મિઓના દબાણને વશ થયા વગર એમના ઉલ્લેખથી દુર રહેવાનું રહેશે. ગુજરાતી કવિઓ માટે આ બહુજ અઘરું છે એ બબતથી આયોજકો સુવિદિત છે અને એથી જ જો યોગ્ય શાસ્ત્રોક્ત પ્રમાણો આપવામાં આવશે તો હવે પછીના ‘વર્ષાનું ગાન’ના કાર્યક્રમમાં રાધા-કૃષ્ણનાં ઉલ્લેખ સાથેના કાવ્યો લખવા- રજુ કરવાની અનુમતિ આપવામાં આવશે.

    ઈન્ટરનેટ પર પોતાની વેબસાઈટ, બ્લોગ કે ફેસબુક પર ગ્રીષ્મ ઋતુ પરની કવિતા Upload કરનારા, એને ‘Like’ કરનારા, એની પર Comment મારનાર, માણનાર અને વખાણનાર તમામે હાજર રહેવુ ફરજીયાત છે! આ માટે ઉનાળા પર છંદ બધ્દ્ધ કે અછાંદસ, હાઈકુ કે મુક્તક કે પછી બે પંક્તિઓ કે ‘ખુબ ગરમી છે’ એવી  ભાવવાહી શબ્દાવલી રચનારને પણ કવિ ગણવાનું ધોરણ રાખેલ છે! એટલે આપની આસપાસ જો કોઇ આવી છુપી પ્રતિભાઓ હોય તો તેમની વિગતો મોકલી આપવા વિનંતિ છે જેથી કરીને એમનો પણ અધિવેશનમાં લાભ લઈ શકાય.

    અધિવેશનમાં આવવા માટે વાહનની વ્યવસ્થા રાખેલ છે. સર્વે કવિઓને નિજગૃહેથી અધિવેશનના સ્થળ સુધી પહોંચાડવા માટે નગરની વ્યાયામશાળાના ઉત્સાહી સ્વયંસેવકોએ સ્વખર્ચે સેવાઓ આપવા તૈયારી બતાવેલ છે. તેઓ જ્યારે આપનાં ઘરે પધારે ત્યારે આપે નિમંત્રણને માન આપીને વિના આનાકાનીએ તેમની સાથે આવવાનું રહેશે. સ્વયંસેવકો સંયમી છે અને વિના કારણે કોઇપણ જાતની જોર જબરજસ્તી કરે એવા નથી એ બાબતની આપ ખાતરી રાખશો. અધિવેશનની સમાપ્તિ બાદ સહુએ સ્વખર્ચે સ્વગૃહે જવાનું રહેશે.             

    આ કાર્યક્રમ સામાન્ય જનતા માટે પણ ખુલ્લો રહેશે. એમાં દર્શકો માટે વિશિષ્ઠ બેઠક વ્યવસ્થાનું વિચારવામાં આવેલ છે. હકીકતમાં દર્શકો/ ભાવકો એ બેસવાનું નહિ પણ સ્થળ પર સ્વયંસેવકો બતાવે તે મુજબ કાર્યક્રમના સ્થળની ફરતે હાથમાં હાથ પરોવી ને કાર્યક્રમના અંત સુધી ઉભા રહેવાનું રહેશે. તેમને ટોપી પહેરવાની, માથા પર છત્રી ઓઢવાની, નેપકીન મુકવાની, ભીનો રૂમાલ મુકવાની, બહેનો ને બુકાની બંધાવાની વગેરેની છૂટ રહેશે. પરંતુ પ્રક્રુતિ સાથે તાદાત્મ્ય સાધવામાં ખલેલ ન પડે એ માટે આવી છૂટ અધિવેશનના ડેલીગેટ્સને આપવામાં આવશે નહિ.

    પ્રવેશ માટે દર્શકો દ્વારા બનાવેલ વર્તુળ પરની કોઈ એક જગ્યાએ વ્યવસ્થા રાખવામાં આવશે. તમામ ડેલીગેટ્સના આગમન બાદ પ્રવેશ બંધ કરવામાં આવશે અને ત્યાર બાદ કાર્યક્રમ પુરો થાય ત્યાં સુધી કોઈ સ્થળ છોડી શકશે નહિ.

    અધિવેશનમાં રચનાઓ રજુ કરવા માટે કોઈ પુરસ્કાર રાખવામાં આવેલ નથી પરંતુ કર્યક્રમ્ના આરંભે સર્વે કવિઓનું શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવશે. અને એ શાલ તેઓશ્રી એ કાર્યક્રમની સમાપ્તિ સુધી ઓઢી રાખવાની રહેશે. વધુમાં અધિવેશનના સંભારણા તરીકે આયોજકો તરફથી જે કવિઓ મોબાઈલ ધરાવતા હશે તેઓને ‘ટહુકા’નો રીંગટોન મફતમાં ડાઉનલોડ કરી આપવામાં આવશે.

    અને છેલ્લે એક અગત્યની વાત. જો અધિવેશનના દિવસે આકાશ જો વાદળછાયુ હશે તો અધિવેશન મોકુફ રખવામા આવશે અને ફરીવારના અધિવેશનની તારીખ અને સમયની એ પછીથી આપને જાણ કરવામા આવશે.

    તો ચાલો સહુ મળી ને ગ્રીષ્મ ઋતુનાં ઓવારણા લઈએ અને મીઠા મધુરા ગીતો દ્વારા તેના આગમન ને ભાવથી વધાવીએ...

અસ્તુ.
લી.
આપનો અર્ધબુદ્ધિ મિત્ર,
‘બધિર’ અમદાવાદી

1 comment:

  1. ચલો એક વધુ પોસ્ટ કરવાનો અનેરો લહાવો મળશે હવે...! સરસ બધીરા ભાય..!

    ReplyDelete