Thursday, July 28, 2011

પરવાનાઓ, શમા સાથે એમ.ઓ.યુ. કરો....

....પ્રણય સંબંધની શરૂઆત ‘નયન ને બંધ રાખી ને…’ કરશો તો પસ્તાશો! બોસ, આંખો ખોલો, મગજ ને પણ બે ટપલા મારો અને તમારા હક્કો માટે જાગૃત થઇ જાવ. અત્યારે જો નયનને બંધ રાખ્યા તો પછી આખી જીંદગી મગજ અને મોઢું બંધ રાખવાનો વારો આવશે! માટે પાણી પહેલા પાળ બાંધી દો...


     પુરાણકાળથી સ્ત્રીઓ નાજુક, અબળા, લાગણીશીલ વગેરે વગેરે ગણાતી આવી છે. પણ એ માસુમ ચહેરાઓ પાછળની તાસીર કંઈક જુદી જ હોય છે. પૌરાણિક કથાઓથી લઇ ને એકતા કપૂરની  કથાઓ સુધી આ રમણીઓએ ખરા સમયે કહાનીમાં ટ્વિસ્ટ લાવી  આપણા રમણભાઈઓની લાઈફ રમણ-ભમણ કરી નાખી હોય એવા ઉલ્લેખો જોવા મળે છે. આમાં વાટ લાગે છે બિચારા કોમળ હૃદયના પુરુષોની! એમાં એમનો કોઈ દોષ નથી કારણ કે એય બિચારા દારૂખનાના કારખાનામાં બીડી પીવે એવા હૈયાફૂટા હોય છે!

     આમાં પણ પાછું ‘ઘર જલાયા ઘર કે ચિરાગ ને’ જેવું થયું છે! આ વર્ગના જ કેટલાક કવિઓએ પોતાની કવિતાઓ અને શાયરીઓમાં રમણીઓની નાજુક અદાઓ, શરાબી આંખો, તીરછી નજર, પરવાળા જેવા હોઠ, મદમાતી ચાલ, મોહક સ્મિતો અને હંસલી જેવી ડોકોના વર્ણનો કરી કરી ને આખાય વર્ગ ને ફટવી મુક્યો છે અને સદીઓથી નાસમજ પરવાનાઓ આ જલતી શમાઓ પર કુરબાન થતા આવ્યા છે. એક રીતે જુઓ તો સદીઓથી આ બધી 'ફૂલો કી રાની, બહારોકી માલકા'ઓ દ્વારા આ ભોળા અને ગભરુ પરવાનાઓ પર ઈમોશનલ અત્યાચાર થતો આવ્યો છે, થઇ રહ્યો છે અને અમારા જેવા જાગૃત લોકો જો નિષ્ક્રિય રહેશે તો આગળ ઉપર પણ થતો જ રહેશે એમ અમને ચોક્કસ લાગે છે.

Shama & Parvana
         પણ હે પરવાનાઓ આનંદો! તમારી ચિંતા કરવાવાળું કોઈ બેઠું છે. સાડા પાંચ કરોડ... સોરી એ અહીં ના આવે નહિ? હા, તો તમારા હિતોનું રક્ષણ કરવા માટે અમે જાગતા બેઠા છીએ. પણ પહેલા તમારે સ્વપ્નોની દુનિયામાંથી નક્કર વાસ્તવિકતાની ધરતી પર ઉતરી આવવું પડશે. બીજું શેર, શાયરી, ગઝલ અને કવિતાઓથી ગેરમાર્ગે દોરવાવાનું છોડી દેવુ પડશે. કારણ કે ગઝલો અને કવિતાઓ એ જાહેરખબર જેવી હોય છે. એમાં પ્રણયિની , પ્રોષિતભર્તૃકા, રૂપગર્વિતા અને માશુકાઓના લડાવી લડાવીને જે વર્ણનો કરવામાં આવે છે એવું એમાં કંઈ હોતું નથી છે. ઉલટાની જાહેરાતો તો એક રીતે સારી કે એમાં ફૂદડી (‘*’) કરીને Conditions apply લખી ને કે પછી Statutory warning દ્વારા ગ્રાહકોને ચેતવણી આપેલી હોય છે. પણ કવિતાઓ તો ભાવક પાસે વાસ્તવિકતાનું મો-વગું ઘાસ પડતું મુકાવી ને દીવાસ્વપ્નો સમા લટકતા ગાજર પાછળ ગધેડાની જેમ દોડતો કરી દે છે! માટે પ્રથમ પગલા રૂપે કવિતાની અસરમાંથી બહાર આવી જવું એ તાકીદની જરૂરીયાત ગણાય.

     જેમ ફક્ત આકર્ષક પેકિંગ, મોમાં પાણી લાવી દે તેવી સોડમ કે જંગી ડિસ્કાઉન્ટ જેવી બાબતથી અંજાઈ ને તમે કોઈ વસ્તુ ખરીદશો ત્યારે શરૂઆતમાં એ સારી લાગે પણ પછી હકીકત પોત પ્રકાશે છે એમ તમે પણ જો પ્રણય સંબંધની શરૂઆત ‘નયન ને બંધ રાખી ને…’ કરશો તો પસ્તાશો! બોસ, આંખો ખોલો, મગજ ને પણ બે ટપલા મારો અને તમારા હક્કો માટે જાગૃત થઇ જાવ. અત્યારે જો નયનને બંધ રાખ્યા તો પછી આખી જીંદગી મગજ અને મોઢું બંધ રાખવાનો વારો આવશે! માટે પાણી પહેલા પાળ બાંધી દો અને લાગણીમાં જરા પણ તણાયા વગર અમે જે  'મોડેલ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ' એટલે કે ‘મોડેલ એમ.ઓ.યું.’ બનાવ્યું છે તેની ઉપર તમારાવાળી પાસે સહી કરાવી ને ‘જરા સી સાવધાની, જીંદગી ભર આસાની’ વાળી જાહેરાત યથાર્થ ઠેરવો. તો એક નજર નાખી લો આ વાઈબ્રન્ટ એમ.ઓ.યુ. ઉપર.....          
  1. છોકરી તરીકેનો કોઈ ખાસ બેનીફીટ નહિ મળે. જે વાત મારા ભાઈબંધો ની નહિ ચલાવી લેતો હોઉં એ તારી પણ નહિ જ ચલાવી લઉં.
  2. આપણી લગ્ન તિથી, મારી અને તારી વર્ષગાંઠ કે તારા મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, ટોમી-લાલિયા કોઈની પણ વર્ષગાંઠના દિવસો ને બેસતા વર્ષ અને દિવાળી વચ્ચે આવતા ‘ખાડા’ ના દિવસો જેવા પડતર દિવસો ગણવાના રહેશે. અમારા તરફથી ઉજવણી અંગે નું કોઈ વચન આપવામાં આવતું નથી. માટે ભરોસો હોય તો જ આગળ વધવું. નહિ તો મારી પાસે બીજી ૬ છોકરીઓએ સાઈન કરેલા આવા એમ.ઓ.યુ. પડ્યા છે.
  3. છતાં પણ ક્યારેક હું તારા માટે કોઈ ગીફ્ટ લાવું તો એમાંથી ડીઝાઈન, કલર, શેડ, મટીરીયલ, પેટર્ન, વજન વગેરે કોઈ પણ બાબતની ખોડ કાઢવી નહિ. જો કાઢી, તો પછી કાયમ માટે ગીફ્ટ બંધ!
  4. ડ્રેસ કે સાડી 'કેવી લાગે છે?' એમ પૂછવામાં આવશે ત્યારે તે જેવી લાગતી હશે તે સ્પષ્ટ જણાવવામાં આવશે. એ તારા મમ્મી એ, બનેવીએ કે પછી ભાઈ કે બીજા કોઈ સગલાએ આપેલી હશે તોય અભિપ્રાય બદલવામાં નહી આવે.
  5. તારે જો બનેવી હોય તો એને 'साली तो आधी....' વગેરે સાળી વિષયક કહેવતો બોલવા પર પ્રતિબંધ ફરમાવવો પડશે. અમને એવો કોઈ પ્રતિબંધ લાગુ પડશે નહી.
  6. તારા ભાઈને (જો હોય તો)  મારા મિત્રો ની બેઠક થી દૂર રહેવા સ્પષ્ટ સૂચના આપવી.
  7. તારો ભાઈ તારા વતી કે તારી મમ્મી વતી જાસુસી કરતો પકડાશે તો એની ઈતર પ્રવૃત્તિઓનું લીસ્ટ તારા પપ્પા ને પહોચી જશે એની એને જાણ કરી દેવી.
  8. આપણું નક્કી થઇ જાય પછી તારા ભાઈએ પોકેટમની તારા પપ્પા પાસેથી જ લેવાનું રહેશે.
  9. હું તારા ઘરે આવું ત્યારે તારા પપ્પા મારી સાથે મુકેશ કે તલત મહેમુદના ગીતોની વાતો કરી ને બોર ન કરે એનું ધ્યાન રાખવાનું રહેશે.
  10. મારી આગતા સ્વાગતા ફ્રીઝમાં પડી રહેલી સામગ્રીથી નહી પણ મને પસંદ હોય તેવી તાજી વાનગી/ પીણાથી કરવા તારી મમ્મીને સ્પષ્ટ સૂચના આપવી. ગેસ વગરની કોલા કે પેપ્સીની મને સખ્ત નફરત છે અને તારી સોસાયટીના કૂતરાંને ‘રસના’ ચાખવા મળે એવી શક્યતા ઉભી ન થાય એનું ધ્યાન રાખજે.
  11. તારો અભિપ્રાય પૂછવામાં આવે ત્યારે તારે તારા મમ્મી ને પૂછ્યા વગર તાત્કાલિક આપવાનો રહેશે.
  12. નવરાત્રી અને ધૂળેટી જેવા તહેવારોમાં તારી સોસાયટીના છોકરાંઓ ને મારાથી દૂર રાખવા. તારે પોતે પણ એમને તારાથી દૂર રાખવા.  
  13. તારા ગૃપની અને સોસાયટીની બધી જ બહેનપણીઓની મારી સાથે ઓળખાણ કરાવવાની રહેશે.
  14. બપોરે ટીવી પર રસોઈ શોમા જોયેલી વાનગીનો બનાવવાનો પહેલો પ્રયોગ તારા ઘરે જાય ત્યારે ત્યાં જ કરી લેવો પડશે. એ લોકો ટકી  જાય ત્યાર પછી જ આપણા ઘરે એ વાનગી બનાવવી.
  15. તેં બનાવેલી વાનગી સરસ હશે તો એના હું વગર પૂછ્યે વખાણ કરીશ પણ તને ગમતો જ અભિપ્રાય આપું તેવો આગ્રહ રાખવો નહી. હું તારા પ્રેમમાં હોઈ શકું, મારું પેટ નહી. 
  16. તારા માટે જાન હાજર છે પણ રસોઈમાં લાલીયાવાડી નહી ચાલે. 
  17. શોપિંગ મોલ કે શાક માર્કેટમાં તને ખરીદી કરવામાં તકલીફ ન પડે તે માટે આપણા ટેણીયાને હું તેડીશ પણ એના બાળોતિયા ભરેલી તારી હેન્ડબેગ મારા ખભે લટકાવવાનો આગ્રહ રાખવો નહી.
  18. શાક માર્કેટમાં શાક લેતી વખતે નજર મારી પર નહિ, શાક પર રાખવાની રહેશે.
  19. ખરીદવાની વસ્તુઓનું લીસ્ટ શોપિંગ મોલમા પ્રવેશતા પહેલા મને આપવાનું રહેશે અને લીસ્ટ બહારની વસ્તુ ખરીદવા દેવામાં નહી આવે.
  20. મોઢા પર ખાલી પાવડર કે લીપસ્ટિક લગાવવાને મેક-અપ ગણવામાં નહી આવે.
  21. તારી તબિયત વિષેનો ડેઈલી રીપોર્ટ, અડોશી-પડોશીની દિનચર્યાની વિગતો, કરીયાણાવાળાની ઘાલમેલ, ધોબી અને કામવાળા વિશેની ફરિયાદો, વજન ઘટાડવાના નવા સરળ નુસખા વગેરે એક કાગળ પર લખી ને સાંજે મને આપી દેવાના રહેશે, જે હું સુતા પહેલા વાંચી લઈશ. આ બાબતો પર કોઈ ચર્ચા આપવામાં નહિ આવે.
  22. ‘હા’ કે ‘ના’ નો જવાબ માથું હલાવી ને પણ આપી શકાય છે માટે પ્રશ્ન પૂછતી વખતે નજર મારી તરફ રાખવાની રહેશે. જવાબ તરત મળશે અને જવાબ મળી જાય પછી તરત બન્ને એ પોત પોતાના કામે લાગી જવાનું રહેશે.
  23. 'ડાયટીંગ’ એટલે પાંચ માંથી એક રોટલી પર ઘી નહી ચોપડવાનું' એ ખ્યાલ ખોટ્ટો છે.
  24. તારા વજન વિષે અભિપ્રાય પૂછે ત્યારે તું જાડી દેખાતી હોય તો પણ હું 'તારું વજન ઘણું ઉતર્યું છે' એમ કહું એવી અપેક્ષા રાખવી નહી. ‘આપસે પ્યાર કાફી, પર જૂઠ સે માફી!
  25. છોકરાંઓ ઉપર તારો પણ કાબુ હોવો જરૂરી છે. ગમે ત્યારે મને 'લાલિયા છૂ' કહી ને છોકરાઓ પર છોડી મૂકવાની પ્રવૃત્તિ નહી ચાલે.
     આ ‘અન્ડરસ્ટેન્ડીંગ’ એટલે કે સમજુતી પહેલેથી કરવી એટલા માટે જરૂરી છે કારણ કે પાછળથી સમજવાનું કામ ફક્ત તમારે એકલા એ કરવાનું આવશે છે એવે વખતે લખેલું હશે તો બોલશે. ખરું પૂછો તો આ એમ.ઓ.યું. કરી ને પણ તમે એમનું કઈ બગાડી નથી લેવાના! જ્યાં રાજાઓના રાજ જતા રહ્યા, શુરાઓ ખપી ગયા, અરે, અંતર્યામી ભગવાન જેવા ભગવાન શ્રી રામ પણ સ્ત્રી હઠ સામે નમતું જોખી ને ધનુષ-બાણ લઇ ને હરણ પાછળ દોડ્યા હતા અને પછી મોટ્ટી બબાલ વહોરી બેઠા હતા ત્યાં તમે શું ભડાકા કરી લેવાના હતા! છતાં પણ અત્યારે આટલુતો કરી જુઓ પછી તકલીફ હોય તો બીજું વિચારીએ....

નોંધ:-
  1. આ એગ્રીમેન્ટમાં અમારા અનુભવ કરતા અમારા અભ્યાસનો ફાળો વધુ છે.
  2. પરિણામો માટે અમને જવાબદાર ગણવા નહી.  
  3. આ કરારનામું અમલમાં મુક્યા પછી અમને રૂબરૂ મળવાનો આગ્રહ રાખવો નહી. 
માસૂમ ચહેરો, કામણગારી અદાઓ અને મધ ઝરતી વાણી  તમારા મક્કમ ઈરાદા અને આ એમ.ઓ.યુ.ની કલમોનો કુચ્ચો ન ઉડાડી દે એ જ શુભેચ્છા...
--
'બધિર' અમદાવાદી
૨૮-૦૭-૨૦૧૧
Photo Courtesy: Ravi Upadhyay's blog.

Saturday, July 16, 2011

ખુશ્બુ ગુજરાતકી

...ઉત્તર ભારત તરફ જતા જાવ એમ ઢોંસાના સાંભરમાં દાળ બાટીની દાળનો સ્વાદ આવે કે પછી ઉત્તપમ પરોઠા જેવું લાગે તો એમાં રેસ્તરાંવાળાનો નહિ પણ ઘર કૂકડી સાઉથ ઇન્ડિયનોનો વાંક છે.....  


     આપણે ત્યાં વેકેશનમાં કોઈ પ્રવાસન સ્થળ પર ફરવા જવું હોય તો પહેલાં બાળકોની પરીક્ષાનું ટાઈમ ટેબલ આવે પછી તેમાં જોઈ ને પ્રવાસે નીકળવાની તારીખ નક્કી કરવામાં આવે. એ પછી જાતે જ બધા બુકિંગો કરાવી ને જવું કે પછી એરેન્જડ ટુર લેવી એ નક્કી થાય. પછી ઈન્ટરનેટ પર ટ્રેનોમાં વેઇટિંગ લીસ્ટ અને એર ટીકીટના ભાડા જોઈ ને ખબર પડે કે આખા ગામ પાસે પરીક્ષાનું ટાઈમ ટેબલ હતું અને ફક્ત તમે જ બાકી હતા! પછી શિક્ષણ ખાતાની અનિશ્ચિતતાઓને ભાંડતા ભાંડતા તમે કોઈ ટ્રાવેલ્સવાળા પાસે પહોંચશો તો તમારા આશ્ચર્ય વચ્ચે તેની પાસે તમારા બાબાની છેલ્લી પરીક્ષાની રાત્રે જ ઉપડતી અને ખિસ્સે ખપતી પેકેજ ટુરનો પ્લાન હશે અને એ ચોક્કસ ઉપડતી પણ હશે! આમ ટુર ઓપરેટરો પણ હવે ગુજરાતીઓની આ મેન્ટાલીટી જાણી ગયા છે અને એટલે જ એ લોકો શિક્ષણ વિભાગ પાસેથી આખા વર્ષની પરીક્ષાના ટાઈમ ટેબલો મેળવી લેતા હોય તો પણ નવાઈ નહિ! એમની જાહેરાતોમાં આવતા ‘બે ટાઈમ ચા નાસ્તો’, ‘ગુજરાતી ફૂડ’, ‘જૈન ફૂડ’, ‘ગ્રુપ ડિસ્કાઉન્ટ’ જેવા શબ્દોમાં પણ તમે ગુજરાતની મહેક અનુભવી શકશો!

     ટ્રાવેલ્સવાળા સાથેના આ અનુભવથી લઇ ને ટુર પૂરી થાય ત્યાં સુધી ગુજરાત અને ગુજરાતીપણું વગર ટીકીટે તમારી સાથે જ ફરતું હોય એવું તમને લાગશે! હકીકતમાં તમે જોવા તો ગયા હશો કોઈ હિલ સ્ટેશન, દરિયા કિનારો કે પછી કોઈ ઐતિહાસિક કે ધાર્મિક મહત્વના સ્થળ, પણ ટુરના પેકેજની સાથે તમને કેટલીક ગુજરાત સ્પેશિયલ આઈટમો બિલકુલ મફત મળશે. તમારી જરા પણ ઈચ્છા નહિ હોય તો પણ એ આઈટમો તમને સામેથી આવી ને મળશે! દા.ત. તમે જે હોટેલમાં ઉતર્યા હશો એની લોબીમાં એસ.આર.પી.વાળા પહેરે છે એવી બાંયવાળી ગંજી અને અને લુંગી પહેરેલો ગુજરાતી વેપારી! તો સવારે હોટેલના રૂમની બાલ્કનીમાં સુકાતી ‘ડોરા’ બ્રાન્ડની બાંયવાળી ચડ્ડીઓ કે કાને જનોઈ ચડાવી ટોઇલેટ શોધતા આધેડ કે પછી ડાઈનીંગ રૂમમાંથી જમીને ખભે નેપકીન નાખી વરિયાળી ચાવતો ચાવતો આવતો કાઠીયાવાડી ન મળે તો સમજી લેજો કે તમારો ફેરો ફોગટ ગયો!

     આ બધી જ ટુરની હીટ આઈટમ જો હોય તો એ છે ઢેબરાં ઉર્ફે થેપલા! ભૂખ લાગી હોય, ડીનર માટેના હોલ્ટની વાર હોય અને આખા દિવસની હડિયા-પાટું પછી તમે બારી પાસેની સીટ પર બેઠા બેઠા ઝોકું ખાવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા હોવ ત્યારે જ તમારાથી ચારેક હરોળ પાછળની સીટ પર ખુલેલા ડબ્બામાંથી નીકળેલી ‘ખુશ્બુ ગુજરાતકી’ એવી થેપલાની સુગંધ તમને ઢંઢોળીને જગાડશે! નીકળતી વખતે તમારા ‘સતી’ એ જ્યારે સામાન સાથે થેપલાના ડબ્બા સહિતની નાસ્તાની અલગ બેગ ભરીને મૂકી હશે ત્યારે તો તમારો પિત્તો ગયો હશે પણ અત્યારે થેપલાની લોભામણી સુગંધ તમને ચળાવી મુકાશે એ નક્કી. અને પછી તો આતંકવાદીના થેલામાંથી જેમ કારતુસો, ગ્રેનેડ, RDX ને AK47 નીકળે એમ તમારા ‘સતી’ ના થેલામાંથી થેપલા, હિંગની ખાલી ડબ્બીમાં ભરેલી લસણની ચટણી, છુંદો, આથેલા મરચા, સુખડી અને એવું બધું જેવું નીકળવા માંડશે એવો તમારો ગુસ્સો ગાયબ થઇ જશે! એક હળવા ઠપકા/ છણકા સાથે એ બધું જ તમને તો મળશે જ પણ સાથે સાથે આ દ્રશ્ય ને અવાચક થઇ ને જોઈ રહેલ તમારા પર-પ્રાંતીય સહપ્રવાસી કુટુંબને પણ મળશે અને એ સાથે એક નવા સંબંધની શરૂઆત પણ થશે જેમાં ગુજરાતનું થેપલું નિમિત્ત બનશે!



     થેપલાનું આપણા પાકશાસ્ત્રમાં અનોખું સ્થાન છે! થેપલા વગર પ્રવાસે નીકળેલો ગુજરાતી શસ્ત્ર વગરના સૈનિક જેવો લાગે છે! થેપલાને તમે ઇમરજન્સી ફૂડ, સ્નેક્સ, બ્રેકફાસ્ટ કે પછી રાત્રીના ભોજનમાં સ્થાન આપી શકો છો. હવે તો આપણા થેપલા એટલા પ્રખ્યાત છે કે હોટેલમાં પણ આઈ.ડી. પ્રૂફની જગ્યા એ થેપલા બતાવી દો તો પણ ચાલી જાય! અમારું તો માનવું છે કે અમેરિકામાં થેપલાની જોડે લસણની ચટણી અને છુંદો બતાવો તો વ્હાઈટ હાઉસમાં આંટો પણ મારવા દે તો નવાઈ નહિ!

     આ પ્રકારના પ્રવાસોમાં અને એમાં પણ ખાસ કરીને ઐતિહાસિક સ્થળોની મુલાકાત વખતે ‘ગાઈડ’ નામના અનિવાર્ય અનિષ્ટનો પરિચય તમને અચૂક થશે! આપણે ત્યાં મૃતકના સગાના ગળામાં વીટાળેલું જે ધોતિયું શોક સુચવે છે એ જ ધોતિયુ અહિ એના આઇડેંટીટી કાર્ડ તરીકે કામ આપે છે! આમ જુઓ તો ગાઇડનું કામ જે તે સ્થળ સાથે સંકળાયેલી ઐતિહાસિક ઘટનાઓ, વ્યક્તિઓ અને સ્થાપત્યકલા વિષયક માહિતી આપવાનું છે પણ એટલેથી આગળ વધીને મોબાઈલના ચાર્જીંગથી લઈને શોપિંગ, ફોટોગ્રાફી, નાસ્તા-પાણી વગેરે બાબતોમાં પણ એની ગાઈડ તરીકેની સેવાઓ આપવાનું ચૂકતો નથી! ‘ગુજરાતી થાલી ચાહિયે તો એક અચ્છી જગા હૈ’ એવું તો એ તમને પાંચમી મીનીટે જણાવી દેશે!

     ધાર્મિક કે ઐતિહાસિક રીતે મહત્વના સ્થાપત્ય આગળ ઉભા રહીને પોપટની જેમ ગોખેલી માહિતી બોલતા ગાઇડને સંભાળવો એક લહાવો છે! ધાર્મિક વિધિ કરાવતી વખતે ગોર મહારાજ રીધમ તોડ્યા વગર “ત્રણ આચમની પાણી મુકો”, “ભગવાન પર ચોખા ચડાવો”, “શ્રીફળ પર ચાંલ્લો કરો” એવું વચ્ચે વચ્ચે બોલતા હોય છે એમ જ આ વીરો “આપકી બાયી ઔર દેખીયે, યે અકબરકી ફિરંગી બીવીકા કમરા હૈ”, “અબ આપકી દાહિની ઔર દેખીયે, યે અકબરકી રાજપૂત બીવી જોધાબાઈકા કમરા હૈ” એમ બોલતો જશે અને ત્યારે સાથે સાથે રૂમમાં  હાજર બીજા જૂથમાંથી કોઈ “જોધા બાઈ ‘રસોડા’ કિધર હૈ?” કે ગુજરાતીમાં “રૂમ તો ચારે બાજુથી ખુલ્લો છે” એવો ગણગણાટ પણ સંભળાશે!



    એ જ્યારે કહે કે “યે કમરે કે બીચ મેં જો લેમ્પ દેખ રહે હો વો લોર્ડ કર્ઝન ને જોધાબાઈ કો તોહફે કે તૌર પે દિયા થા...” ત્યારે તમારી નજર કબુતરના ચરકથી ભરેલા છતમાંથી લટકતા લેમ્પ પર પડશે અને તમને પહેલો વિચાર એ આવશે કે લોર્ડ કર્ઝને આ લેમ્પ ચરક સાથે આપ્યો હશે કે એ માટે કબૂતરો અલગથી આપ્યા હશે? અને એની કથાઓ સાંભળીને તમને આવા તો ઘણા પ્રશ્નો થશે! પરંતુ તમારે એ પ્રશ્નો મનમાં જ રાખવાના, એને પૂછવાના નહિ! નહીતર એ નારાજ થઇ ને અકબરના જમાનામાં ટીપું સુલતાન ને ઘુસાડશે, શિવાજીને પાણીપતમાં લડાવશે કે પછી બાકીના સ્થળો ‘લપેટી’ લઇ ને પેમેન્ટ માંગતો ઉભો રહેશે! માટે સંયમ રાખવો. એ કહે કે આ અકબરનો ‘થુંક મહેલ’ છે અને અકબર પાન ખાવા અને થૂંકવા માટે ખાસ અહિયા આવતો હતો તો તમારે પ્રેમથી એની વાત માની પણ લેવાની! તમે સ્કૂલમાં ભણ્યા હોવ એનાથી કંઈક જુદીજ ઐતિહાસિક અને પ્રાગૈતિહાસિકથી લઇ ને હાસ્યરસિક કથાઓ એ તમને સંભળાવશે! તમારે એ સાંભળવાની, માનવાની અને એમાંથી આનંદ ઉઠાવવાનો! યાર, તમે જેના ચરણોમાં લાખો રૂપિયા મૂકી આવો છો એ પ.પૂ.ધ.ધૂ.ઓ વેદ, પુરાણ અને શાસ્ત્રોના નામે મન ફાવે એ કથાઓ સંભળાવે છે એ તમે ચેક કરવા જાવ છો? તો પછી પચ્ચા-હો રૂપિયા લઈને મહેલ, મૂર્તિઓ અને હોજ વિષે મનોરંજક કથા સંભળાવનાર ગરીબ ગાઈડનો શો વાંક? અને ઇતિહાસ ફની હોઈ શકે છે, બહુ સેન્ટી નહિ થવાનું! ટુરમાં તો આવું ચાલ્યા કરે.

     આવી ટુરમાં એક અગત્યનો તબક્કો વારંવાર આવશે અને એ છે શોપિંગનો! હારબંધ દુકાનો વચ્ચેથી પસાર થતી વખતે તમારી પત્નીમાં શાકમાર્કેટમાં ફરતી ગાયના જેવી અજબની સ્ફીર્તિનો સંચાર થયેલો જણાશે! જો તમે કુશળ ગોવાળની જેમ કાબુ ન રાખ્યો તો તમારી પદયાત્રા કન્ડકટરની સ્મશાનયાત્રાની જેમ દર બસ સ્ટેન્ડે અટકતી અટકતી ચાલશે અને વોલેટ હળવું થશે એ જુદું!

     શોપિંગ દરમ્યાન કેટલીક એવી ઘટનાઓ પણ બનશે કે જ્યારે તમારે વધુ સંયમથી વર્તવું પડશે. દા.ત. તમારી પત્ની જ્યારે હિન્દીભાષી દુકાનદાર જોડે હિન્દીમાં ભાવતાલ કરવાનું શરુ કરે ત્યારે! આવે સમયે તમારે “પતે એટલે મિસ કોલ કરજે” એવું કહી ને નજીકના ફાસ્ટ ફૂડના  પાર્લર કે ફૂડ જોઇન્ટ પર જઈ ને ‘મૌકે કા ફાયદા’ ઉઠાવી લેવાનો! આમ કરવાથી બિલમાં ૫૦% સુધી નો ઘટાડો પણ થાય છે એવું અનુભવીઓ કહે છે. ટુર જેમ આગળ ધપતી જાય એમ નાસ્તાની આઈટમોની બાદબાકી થતી જાય છે અને શોપિંગ કરેલી ચીજો ઉમેરાતી જાય છે. સરવાળે પાછા ફરતી વખતે સામાનમાં એક પણ નંગ નો ઉમેરો થતો નથી એ ગુજરાતીઓની ખૂબી છે!

   આમ એક એક ગુજરાતી પોતે ગુજરાતના મજબુત બ્રાન્ડ એમ્બેસેડર જેવો છે અને દેશ દુનિયામાં ‘ખુશ્બુ ગુજરાતકી’ ચોમેર ફેલાયેલી હોવા છતાં અમિતાભને બોલાવી ને ખાસ પ્રચાર કરવાની કેમ જરૂર પડી એ અમારી ટૂંકી બુદ્ધિમાં આવતું નથી!

કહત બધીરા....
આવી જ એક ટુર દરમ્યાન અમે આમારા સ્વાનુભવ અને વધુ તો અભ્યાસના આધારે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતોની યાદી બનાવી છે જે તમારા લાભાર્થે અહીં મુકું છું.
  • વાપરયેલો નહાવાનો સાબુ ફરસાણની ખાલી કોથળીમાં ભરશો નહિ. નહીતર બીજા દિવસે તમારું સમસ્ત કુટુંબ નહાઈ ને ફ્રેશ થવાને બદલે નહાઈ ને મસાલેદાર થઇ જશે!
  • કોઈ પણ જગ્યા એ માહિતી મેળવવા માટે પૂછપરછ કરીને સ્થળ છોડતી વખતે પેલો શું બબડે છે એ સાંભળવા ઉભા રહેવું નહિ. મોટે ભાગે તો એ ગુજરાત અને ગુજરાતીઓ વિષે એ પોતાની ભાષામાં અભિપ્રાય જ દર્શાવતો હશે અને એમાં ચોક્કસ શબ્દોની જગ્યાએ ‘બીપ’ અવાજ નહિ આવતો  હોઈ તમે એ સાંભળી નહિ શકો!
  • એ જ રીતે શોપિંગ વખતે તમે ટાઈમ પાસ કરો છો એ સામેવાળા ને ખબર પડે તે પહેલા સ્થળ છોડી દેવું!
  • ઉત્તર ભારત તરફ જતા જાવ એમ ઢોંસાના સાંભરમાં દાળ બાટીની દાળનો સ્વાદ આવે કે પછી ઉત્તપમ પરોઠા જેવું લાગે તો એમાં રેસ્તરાંવાળાનો નહિ પણ ઘર કૂકડી સાઉથ ઇન્ડિયનોનો વાંક છે. એ લોકો કમાઈ કમાઈ ને મંદિરોના ભોયરા ભરવાને બદલે દુનિયામાં ફરતા હોત તો આવું ન થાત!
  • થેપલાનો ડબ્બો કપડાની બેગથી દુર રાખવો નહીતર જે ગામમાં જશો એ ગામમાં થેપલાની ખુશ્બુવાળા પરફ્યુમની ડીમાંડ નીકળશે, ગ્રાહકો એની અલૌકિક સુવાસને વર્ણવી નહિ શકે અને પરિણામે આખું ગામ ધંધે લાગી જશે!
  • લગ્ન પછી હનીમુન પર જવા વોલ્વો કોચમાં નીકળવાના હોવ તો સેફટી પીનો અને સુતળી સાથે રાખજો કારણકે બસના પડદા બહુ ઉડાઉડ કરતા હોય છે!
--
'બધિર' અમદાવાદી
તા: ૧૬-૦૭-૨૦૧૧