Saturday, July 16, 2011

ખુશ્બુ ગુજરાતકી

...ઉત્તર ભારત તરફ જતા જાવ એમ ઢોંસાના સાંભરમાં દાળ બાટીની દાળનો સ્વાદ આવે કે પછી ઉત્તપમ પરોઠા જેવું લાગે તો એમાં રેસ્તરાંવાળાનો નહિ પણ ઘર કૂકડી સાઉથ ઇન્ડિયનોનો વાંક છે.....  


     આપણે ત્યાં વેકેશનમાં કોઈ પ્રવાસન સ્થળ પર ફરવા જવું હોય તો પહેલાં બાળકોની પરીક્ષાનું ટાઈમ ટેબલ આવે પછી તેમાં જોઈ ને પ્રવાસે નીકળવાની તારીખ નક્કી કરવામાં આવે. એ પછી જાતે જ બધા બુકિંગો કરાવી ને જવું કે પછી એરેન્જડ ટુર લેવી એ નક્કી થાય. પછી ઈન્ટરનેટ પર ટ્રેનોમાં વેઇટિંગ લીસ્ટ અને એર ટીકીટના ભાડા જોઈ ને ખબર પડે કે આખા ગામ પાસે પરીક્ષાનું ટાઈમ ટેબલ હતું અને ફક્ત તમે જ બાકી હતા! પછી શિક્ષણ ખાતાની અનિશ્ચિતતાઓને ભાંડતા ભાંડતા તમે કોઈ ટ્રાવેલ્સવાળા પાસે પહોંચશો તો તમારા આશ્ચર્ય વચ્ચે તેની પાસે તમારા બાબાની છેલ્લી પરીક્ષાની રાત્રે જ ઉપડતી અને ખિસ્સે ખપતી પેકેજ ટુરનો પ્લાન હશે અને એ ચોક્કસ ઉપડતી પણ હશે! આમ ટુર ઓપરેટરો પણ હવે ગુજરાતીઓની આ મેન્ટાલીટી જાણી ગયા છે અને એટલે જ એ લોકો શિક્ષણ વિભાગ પાસેથી આખા વર્ષની પરીક્ષાના ટાઈમ ટેબલો મેળવી લેતા હોય તો પણ નવાઈ નહિ! એમની જાહેરાતોમાં આવતા ‘બે ટાઈમ ચા નાસ્તો’, ‘ગુજરાતી ફૂડ’, ‘જૈન ફૂડ’, ‘ગ્રુપ ડિસ્કાઉન્ટ’ જેવા શબ્દોમાં પણ તમે ગુજરાતની મહેક અનુભવી શકશો!

     ટ્રાવેલ્સવાળા સાથેના આ અનુભવથી લઇ ને ટુર પૂરી થાય ત્યાં સુધી ગુજરાત અને ગુજરાતીપણું વગર ટીકીટે તમારી સાથે જ ફરતું હોય એવું તમને લાગશે! હકીકતમાં તમે જોવા તો ગયા હશો કોઈ હિલ સ્ટેશન, દરિયા કિનારો કે પછી કોઈ ઐતિહાસિક કે ધાર્મિક મહત્વના સ્થળ, પણ ટુરના પેકેજની સાથે તમને કેટલીક ગુજરાત સ્પેશિયલ આઈટમો બિલકુલ મફત મળશે. તમારી જરા પણ ઈચ્છા નહિ હોય તો પણ એ આઈટમો તમને સામેથી આવી ને મળશે! દા.ત. તમે જે હોટેલમાં ઉતર્યા હશો એની લોબીમાં એસ.આર.પી.વાળા પહેરે છે એવી બાંયવાળી ગંજી અને અને લુંગી પહેરેલો ગુજરાતી વેપારી! તો સવારે હોટેલના રૂમની બાલ્કનીમાં સુકાતી ‘ડોરા’ બ્રાન્ડની બાંયવાળી ચડ્ડીઓ કે કાને જનોઈ ચડાવી ટોઇલેટ શોધતા આધેડ કે પછી ડાઈનીંગ રૂમમાંથી જમીને ખભે નેપકીન નાખી વરિયાળી ચાવતો ચાવતો આવતો કાઠીયાવાડી ન મળે તો સમજી લેજો કે તમારો ફેરો ફોગટ ગયો!

     આ બધી જ ટુરની હીટ આઈટમ જો હોય તો એ છે ઢેબરાં ઉર્ફે થેપલા! ભૂખ લાગી હોય, ડીનર માટેના હોલ્ટની વાર હોય અને આખા દિવસની હડિયા-પાટું પછી તમે બારી પાસેની સીટ પર બેઠા બેઠા ઝોકું ખાવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા હોવ ત્યારે જ તમારાથી ચારેક હરોળ પાછળની સીટ પર ખુલેલા ડબ્બામાંથી નીકળેલી ‘ખુશ્બુ ગુજરાતકી’ એવી થેપલાની સુગંધ તમને ઢંઢોળીને જગાડશે! નીકળતી વખતે તમારા ‘સતી’ એ જ્યારે સામાન સાથે થેપલાના ડબ્બા સહિતની નાસ્તાની અલગ બેગ ભરીને મૂકી હશે ત્યારે તો તમારો પિત્તો ગયો હશે પણ અત્યારે થેપલાની લોભામણી સુગંધ તમને ચળાવી મુકાશે એ નક્કી. અને પછી તો આતંકવાદીના થેલામાંથી જેમ કારતુસો, ગ્રેનેડ, RDX ને AK47 નીકળે એમ તમારા ‘સતી’ ના થેલામાંથી થેપલા, હિંગની ખાલી ડબ્બીમાં ભરેલી લસણની ચટણી, છુંદો, આથેલા મરચા, સુખડી અને એવું બધું જેવું નીકળવા માંડશે એવો તમારો ગુસ્સો ગાયબ થઇ જશે! એક હળવા ઠપકા/ છણકા સાથે એ બધું જ તમને તો મળશે જ પણ સાથે સાથે આ દ્રશ્ય ને અવાચક થઇ ને જોઈ રહેલ તમારા પર-પ્રાંતીય સહપ્રવાસી કુટુંબને પણ મળશે અને એ સાથે એક નવા સંબંધની શરૂઆત પણ થશે જેમાં ગુજરાતનું થેપલું નિમિત્ત બનશે!



     થેપલાનું આપણા પાકશાસ્ત્રમાં અનોખું સ્થાન છે! થેપલા વગર પ્રવાસે નીકળેલો ગુજરાતી શસ્ત્ર વગરના સૈનિક જેવો લાગે છે! થેપલાને તમે ઇમરજન્સી ફૂડ, સ્નેક્સ, બ્રેકફાસ્ટ કે પછી રાત્રીના ભોજનમાં સ્થાન આપી શકો છો. હવે તો આપણા થેપલા એટલા પ્રખ્યાત છે કે હોટેલમાં પણ આઈ.ડી. પ્રૂફની જગ્યા એ થેપલા બતાવી દો તો પણ ચાલી જાય! અમારું તો માનવું છે કે અમેરિકામાં થેપલાની જોડે લસણની ચટણી અને છુંદો બતાવો તો વ્હાઈટ હાઉસમાં આંટો પણ મારવા દે તો નવાઈ નહિ!

     આ પ્રકારના પ્રવાસોમાં અને એમાં પણ ખાસ કરીને ઐતિહાસિક સ્થળોની મુલાકાત વખતે ‘ગાઈડ’ નામના અનિવાર્ય અનિષ્ટનો પરિચય તમને અચૂક થશે! આપણે ત્યાં મૃતકના સગાના ગળામાં વીટાળેલું જે ધોતિયું શોક સુચવે છે એ જ ધોતિયુ અહિ એના આઇડેંટીટી કાર્ડ તરીકે કામ આપે છે! આમ જુઓ તો ગાઇડનું કામ જે તે સ્થળ સાથે સંકળાયેલી ઐતિહાસિક ઘટનાઓ, વ્યક્તિઓ અને સ્થાપત્યકલા વિષયક માહિતી આપવાનું છે પણ એટલેથી આગળ વધીને મોબાઈલના ચાર્જીંગથી લઈને શોપિંગ, ફોટોગ્રાફી, નાસ્તા-પાણી વગેરે બાબતોમાં પણ એની ગાઈડ તરીકેની સેવાઓ આપવાનું ચૂકતો નથી! ‘ગુજરાતી થાલી ચાહિયે તો એક અચ્છી જગા હૈ’ એવું તો એ તમને પાંચમી મીનીટે જણાવી દેશે!

     ધાર્મિક કે ઐતિહાસિક રીતે મહત્વના સ્થાપત્ય આગળ ઉભા રહીને પોપટની જેમ ગોખેલી માહિતી બોલતા ગાઇડને સંભાળવો એક લહાવો છે! ધાર્મિક વિધિ કરાવતી વખતે ગોર મહારાજ રીધમ તોડ્યા વગર “ત્રણ આચમની પાણી મુકો”, “ભગવાન પર ચોખા ચડાવો”, “શ્રીફળ પર ચાંલ્લો કરો” એવું વચ્ચે વચ્ચે બોલતા હોય છે એમ જ આ વીરો “આપકી બાયી ઔર દેખીયે, યે અકબરકી ફિરંગી બીવીકા કમરા હૈ”, “અબ આપકી દાહિની ઔર દેખીયે, યે અકબરકી રાજપૂત બીવી જોધાબાઈકા કમરા હૈ” એમ બોલતો જશે અને ત્યારે સાથે સાથે રૂમમાં  હાજર બીજા જૂથમાંથી કોઈ “જોધા બાઈ ‘રસોડા’ કિધર હૈ?” કે ગુજરાતીમાં “રૂમ તો ચારે બાજુથી ખુલ્લો છે” એવો ગણગણાટ પણ સંભળાશે!



    એ જ્યારે કહે કે “યે કમરે કે બીચ મેં જો લેમ્પ દેખ રહે હો વો લોર્ડ કર્ઝન ને જોધાબાઈ કો તોહફે કે તૌર પે દિયા થા...” ત્યારે તમારી નજર કબુતરના ચરકથી ભરેલા છતમાંથી લટકતા લેમ્પ પર પડશે અને તમને પહેલો વિચાર એ આવશે કે લોર્ડ કર્ઝને આ લેમ્પ ચરક સાથે આપ્યો હશે કે એ માટે કબૂતરો અલગથી આપ્યા હશે? અને એની કથાઓ સાંભળીને તમને આવા તો ઘણા પ્રશ્નો થશે! પરંતુ તમારે એ પ્રશ્નો મનમાં જ રાખવાના, એને પૂછવાના નહિ! નહીતર એ નારાજ થઇ ને અકબરના જમાનામાં ટીપું સુલતાન ને ઘુસાડશે, શિવાજીને પાણીપતમાં લડાવશે કે પછી બાકીના સ્થળો ‘લપેટી’ લઇ ને પેમેન્ટ માંગતો ઉભો રહેશે! માટે સંયમ રાખવો. એ કહે કે આ અકબરનો ‘થુંક મહેલ’ છે અને અકબર પાન ખાવા અને થૂંકવા માટે ખાસ અહિયા આવતો હતો તો તમારે પ્રેમથી એની વાત માની પણ લેવાની! તમે સ્કૂલમાં ભણ્યા હોવ એનાથી કંઈક જુદીજ ઐતિહાસિક અને પ્રાગૈતિહાસિકથી લઇ ને હાસ્યરસિક કથાઓ એ તમને સંભળાવશે! તમારે એ સાંભળવાની, માનવાની અને એમાંથી આનંદ ઉઠાવવાનો! યાર, તમે જેના ચરણોમાં લાખો રૂપિયા મૂકી આવો છો એ પ.પૂ.ધ.ધૂ.ઓ વેદ, પુરાણ અને શાસ્ત્રોના નામે મન ફાવે એ કથાઓ સંભળાવે છે એ તમે ચેક કરવા જાવ છો? તો પછી પચ્ચા-હો રૂપિયા લઈને મહેલ, મૂર્તિઓ અને હોજ વિષે મનોરંજક કથા સંભળાવનાર ગરીબ ગાઈડનો શો વાંક? અને ઇતિહાસ ફની હોઈ શકે છે, બહુ સેન્ટી નહિ થવાનું! ટુરમાં તો આવું ચાલ્યા કરે.

     આવી ટુરમાં એક અગત્યનો તબક્કો વારંવાર આવશે અને એ છે શોપિંગનો! હારબંધ દુકાનો વચ્ચેથી પસાર થતી વખતે તમારી પત્નીમાં શાકમાર્કેટમાં ફરતી ગાયના જેવી અજબની સ્ફીર્તિનો સંચાર થયેલો જણાશે! જો તમે કુશળ ગોવાળની જેમ કાબુ ન રાખ્યો તો તમારી પદયાત્રા કન્ડકટરની સ્મશાનયાત્રાની જેમ દર બસ સ્ટેન્ડે અટકતી અટકતી ચાલશે અને વોલેટ હળવું થશે એ જુદું!

     શોપિંગ દરમ્યાન કેટલીક એવી ઘટનાઓ પણ બનશે કે જ્યારે તમારે વધુ સંયમથી વર્તવું પડશે. દા.ત. તમારી પત્ની જ્યારે હિન્દીભાષી દુકાનદાર જોડે હિન્દીમાં ભાવતાલ કરવાનું શરુ કરે ત્યારે! આવે સમયે તમારે “પતે એટલે મિસ કોલ કરજે” એવું કહી ને નજીકના ફાસ્ટ ફૂડના  પાર્લર કે ફૂડ જોઇન્ટ પર જઈ ને ‘મૌકે કા ફાયદા’ ઉઠાવી લેવાનો! આમ કરવાથી બિલમાં ૫૦% સુધી નો ઘટાડો પણ થાય છે એવું અનુભવીઓ કહે છે. ટુર જેમ આગળ ધપતી જાય એમ નાસ્તાની આઈટમોની બાદબાકી થતી જાય છે અને શોપિંગ કરેલી ચીજો ઉમેરાતી જાય છે. સરવાળે પાછા ફરતી વખતે સામાનમાં એક પણ નંગ નો ઉમેરો થતો નથી એ ગુજરાતીઓની ખૂબી છે!

   આમ એક એક ગુજરાતી પોતે ગુજરાતના મજબુત બ્રાન્ડ એમ્બેસેડર જેવો છે અને દેશ દુનિયામાં ‘ખુશ્બુ ગુજરાતકી’ ચોમેર ફેલાયેલી હોવા છતાં અમિતાભને બોલાવી ને ખાસ પ્રચાર કરવાની કેમ જરૂર પડી એ અમારી ટૂંકી બુદ્ધિમાં આવતું નથી!

કહત બધીરા....
આવી જ એક ટુર દરમ્યાન અમે આમારા સ્વાનુભવ અને વધુ તો અભ્યાસના આધારે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતોની યાદી બનાવી છે જે તમારા લાભાર્થે અહીં મુકું છું.
  • વાપરયેલો નહાવાનો સાબુ ફરસાણની ખાલી કોથળીમાં ભરશો નહિ. નહીતર બીજા દિવસે તમારું સમસ્ત કુટુંબ નહાઈ ને ફ્રેશ થવાને બદલે નહાઈ ને મસાલેદાર થઇ જશે!
  • કોઈ પણ જગ્યા એ માહિતી મેળવવા માટે પૂછપરછ કરીને સ્થળ છોડતી વખતે પેલો શું બબડે છે એ સાંભળવા ઉભા રહેવું નહિ. મોટે ભાગે તો એ ગુજરાત અને ગુજરાતીઓ વિષે એ પોતાની ભાષામાં અભિપ્રાય જ દર્શાવતો હશે અને એમાં ચોક્કસ શબ્દોની જગ્યાએ ‘બીપ’ અવાજ નહિ આવતો  હોઈ તમે એ સાંભળી નહિ શકો!
  • એ જ રીતે શોપિંગ વખતે તમે ટાઈમ પાસ કરો છો એ સામેવાળા ને ખબર પડે તે પહેલા સ્થળ છોડી દેવું!
  • ઉત્તર ભારત તરફ જતા જાવ એમ ઢોંસાના સાંભરમાં દાળ બાટીની દાળનો સ્વાદ આવે કે પછી ઉત્તપમ પરોઠા જેવું લાગે તો એમાં રેસ્તરાંવાળાનો નહિ પણ ઘર કૂકડી સાઉથ ઇન્ડિયનોનો વાંક છે. એ લોકો કમાઈ કમાઈ ને મંદિરોના ભોયરા ભરવાને બદલે દુનિયામાં ફરતા હોત તો આવું ન થાત!
  • થેપલાનો ડબ્બો કપડાની બેગથી દુર રાખવો નહીતર જે ગામમાં જશો એ ગામમાં થેપલાની ખુશ્બુવાળા પરફ્યુમની ડીમાંડ નીકળશે, ગ્રાહકો એની અલૌકિક સુવાસને વર્ણવી નહિ શકે અને પરિણામે આખું ગામ ધંધે લાગી જશે!
  • લગ્ન પછી હનીમુન પર જવા વોલ્વો કોચમાં નીકળવાના હોવ તો સેફટી પીનો અને સુતળી સાથે રાખજો કારણકે બસના પડદા બહુ ઉડાઉડ કરતા હોય છે!
--
'બધિર' અમદાવાદી
તા: ૧૬-૦૭-૨૦૧૧

No comments:

Post a Comment