Friday, September 30, 2011

અમદાવાદના રીક્ષાવાળા વિષેની એક દંતકથા!

   કવાર એવું બન્યું કે રીક્ષાવાળાઓના બેફામ ડ્રાઇવિંગથી કંટાળીને ભગવાન વિષ્ણુએ રીક્ષાવાળાઓને સ્વર્ગમાંથી તડીપાર કર્યા. હવે રીક્ષાવાળા સ્વર્ગમાં કેવી રીતે ગયા એ પૂછીને અમદાવાદનું નામ બગાડશો નહીં. છતાં વાત નીકળી છે તો કહી દઉં કે યમરાજાને એમના કામમાં મદદ રુપ થવાના પુણ્યપ્રતાપે એમને સ્વર્ગનો વિસા પ્રાપ્ત છે! તડીપાર કરવાનું કારણ પણ એ જ કે તે લોકો જે અમદાવાદમાં કરતા હતા એવું જ સ્વર્ગમાં કરતા હતા.

    સાયકલ પણ ન નિકળી શકે એટલી જગ્યામાંથી એ લોકો આખી રીક્ષા કાઢતા! સ્કૂલ-રીક્ષામાં ખીચોખીચ છોકરાં- દફતરો ભરી બેફામ હંકારતા. ઉપરથી કેરોસીનથી રીક્ષા ચલાવીને સ્વર્ગનું વાતાવરણ બગાડતા. ના, ત્યાં સી.એન.જી. નહોતુ પહોંચ્યુ કારણકે એ વખતે મોદીજી રીક્ષાઓને ફરજીયાત સી.એન.જી.વાળી બનાવીને અમદાવાદને બીજુ સ્વર્ગ બનાવી રહ્યા હતા! અને એ ઇન્દ્રદેવ માટે અલગ ટેંશનનો વિષય હતો.

    અપ્સરાઓ પણ ગુજરતણોની ન્રુત્યકલા, રુપ અને ચતુર્ય સામે હારીને લમણા કુટતી પાછી આવી હતી! કોંગ્રેસવાળા અને માનવ અધિકારવાળા વગેરે સાથે પણ સંતલસો ચલતી હતી. એટલે ઇન્દ્રદેવ પણ મોદીને પછાડવા માટે ના નવા દાવ શોધવામાં વ્યસ્ત હતા એટલે ટ્રાફીક જેવી ક્ષુલ્લક બાબતો માટે એમને સમય નહોતો.

    એમાં બે દિવસ પહેલાંજ પગથી સાઇડ બતાવીને ઓચિંતો વળીગયેલો રીક્ષાવાળો પાછળ વાઘ પર આવતા માતાજી સાથે ભટકાયો. માતાજી એ કમિશ્નર કાર્તિકેયને ફરીયાદ કરી તો એપણ કહે કે એક રીક્ષાવાળાએ મારા મોરના પીછા પર રીક્ષા ચડાવીને ભર ચોમાસે એને બાંડીયો કરી દીધો છે એટલે હું પણ એ લોકો ઘામાં આવે એની જ રાહ જોઉં છું.

    જ્યારે મહાદેવજીનો પોઠીયો લંગડો થઇ ગયો અને ગણપતીજીના ઉંદરની પૂંછડી ચગદાઇ ત્યારે તો એક જ ઘરમાં ચાર કેસ થાયા! અને હદતો ત્યારે થઇ કે ખોડીયાર માતાનો મગર અને ભગવાન વિષ્ણુનો ગરુડ પણ હડફેટે ચડ્યા! એમાં ગરુડતો બિચરો સાંકડી ગલીની લારી પર બાંકડે બેસી ગાંઠીયા ખાતો હતો ત્યાં કોક ગઠીયો ટક્કર મારી ગયો! આમ શ્રી હરીને પોતાને ટાંટીયા તોડવાનું આવ્યું એટલે એમણે પણ છેવટે કેસ પોતાના હાથમાં લઇને ઓર્ડર પર મત્તુ મારી દીધુ!

    આમ રીક્ષાવાળાઓને તડીપાર કર્યા પછી સ્વર્ગની આજુબાજુ ઉંચો કોટ ચણી દીધો જેથી એ લોકો પાછા સ્વર્ગમાં ના ઘુસી જાય. પછી તો સ્વર્ગમાં રાહતની લાગણી ફેલાઇ. હા, નારદજી જેવાને જે મફતમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મફતમાં જવાનું મળતું હતું એ બંધ થયુ પણ સરવાળે બધા ખુશ હતા!

    એવામાં એક દિવસ સ્વર્ગમાં ગાજ-વિજ સાથે ભારે વરસાદ થયો. ઠેર ઠેર જળ બંબાકાર! વરસાદ એટલો ભારે કે અટકવાનું નામ ન લે. કાન ફાડી નાખે એવા કડાકા અને આંખો અંજાઇ જાય એવી વિજળી થતી હતી. એવામાં એક મોટો કડાકો થયો અને નબળા બાંધકામવાળા કોટમાં તિરાડ પડી! (હા ભાઇ ત્યાં પણ અ.મ્યુ.કો.નો કોઇ સીટી એંજીનીય્રર ઘુસ્યો હશે ને!)

    હા, તો વીજળી પડવાથી સ્વર્ગના કોટમાં તિરાડ પડી....અને બીજા દિવસથી રિક્ષાવાળાઓ પાછા સ્વર્ગમાં ફરતા થઇ ગયા! 

No comments:

Post a Comment