by Badhir Amdavadi on Sunday, April 24, 2011 at 7:40am

- મેચ શરુ થાય એ પહેલા તો બાઉન્ડ્રી પરના એક મંચ પરથી ભુંગળના સૂર સાથે બુલંદ અવાજે ભવાઈ મંડળી ‘પ્રથમ તમે ગણપતિનું ધ્યાન તમે ધરજો રે, માનો મુજરો કરીને ચાચર રમજો રે...’ સાથે ગણપતિનો વેશ શરુ કરે અને સાથે નરઘાની ‘તા થૈયા થૈયા તા થૈ...’ એવી પ્રચંડ થાપ થાપ પડે કે સામેની ટીમના બોલરોની લાઈન – લેન્થ બગડી જાય!
- આપણો પાર્થિવ પટેલ ખેંચી ને છગ્ગો મારે કે તરત બાઉન્ડ્રી પાસેના મંચ પરથી ‘હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગડા વખાણું...’ ચાલુ થાય અને સાથે જ મેર યુવક મંડળના કેડિયાધારી યુવાનો પાંચ પાંચ ફૂટ ઉંચે કુદી ને રાસડા ચાલુ કરે તો ખેલાડીઓ પણ પાંચ મીનીટ રમવાનું પડતું મૂકી ને રાસ જોવા ભેગા થઇ જાય હો બાપલા!
- જ્યારે સામા છેડે રમતો યુસુફ પઠાણ ચોગ્ગા- છગ્ગા રમઝટ બોલાવે ત્યારે સામે ‘રાધા-કૃષ્ણ સત્સંગ મંડળ’ની બહેનો નૃત્ય સાથે ‘વિઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ઓમ વિઠ્ઠલા...’ ની ધૂમ મચાવે તો કેવું વિરલ દ્રશ્ય સર્જાય! આ હા...હા...
- આપણો સિદ્ધાર્થ ત્રિવેદી કે ઈરફાન પઠાણ કોઈના દાંડિયા ઉડાડે ત્યારે તો કાયદેસર ‘સ્ટ્રેટેજિક બ્રેક’ રાખી ને પણ ‘એક દાંડીયા રાસ તો બનતા હૈ’ કરી ને મચી પડવાનું! અને તમે જાણો છો એમ આપણી પબ્લિક તો ડિસ્કો થેકમાં પણ દોઢિયું ને પોપટિયું કરે એવી છે એટલે બાકી નું એ લોકો ઉપાડી લે! હમ્બો!
- એવું બને કે જ્યારે સામેની ટીમનો બેટ્સમેન ઉં.....ચો કેચ ચડાવે ત્યારે એની સાથે જ મંચસ્થ ડાયરાના કલાકાર ‘હેં જી રે......’ની તાન વહેતી મુકે. સાથે હંમેશની જેમ મંજીરાવાળા અને તબલાવાળા હમણવા મંડી પડે! અને જો કેચ થઇ જાય તો ‘....ગોકુળ આવો ગિરધારી સુધી’ નો દૂહો પુરો કરવાનો, નહીતર ‘તાક ધીન તા ધીન તા ધીન તા ધા...’ એમ તિહાઈ મારી ને પેટી બંધ કરી, તબલા-મંજીરા લઇ ને ઉતરી જવાનું!
- જ્યારે સામેવાળા આપણી વિકેટ લે ત્યારે બીજા મંચ પરથી ખાદીની સાડીમાં સજ્જ નારી સંરક્ષણ ગૃહની બહેનો મંજીરાના તાલે ‘જાગી ને જોયું તો દાંડીયા દીસે નહિ, મલિંગા અટપટા બોલ નાખે’ કે પછી ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ...’ નું ભજન ઉપાડે તો વિકેટ ગયાનો વસવસો ભક્તિરસના પુર માં વહી જાય જાય!
- પીચ તૂટી ગઈ હોય અને આપણી વિકેટો ટપોટપ પડતી હોય ત્યારે મંચ પરથી ‘કામદાર કલ્યાણ મંડળ’ ની બહેનો કાછોટોવાળી ને ‘ટીપ્પણી’ નૃત્ય કરી શકે! થોડુ ઇનોવેશન કરવું હોય તો એમને પીચ પર આંટો મારવાનું પણ કહી શકાય!
હશે, નસીબ એમના. બાકી ગુજરાત એમ કઈ સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે આવી મેચો નું મોહતાજ હતું નહિ અને છે પણ નહિ! આ બધું કરવા માટે આપણી પાસે શૌચાલયના લોકાર્પણથી માંડી ને બ્રિજના ખાત મુહુર્ત સુધીના ઘણા કાર્યક્રમો છે અમે ત્યાં આપણી સંસ્કૃતિને શો-કેસ કરીશું!
જય જય ગરવી ગુજરાત!

ey ne jaaaaami
ReplyDelete