Saturday, December 1, 2012

મજનુ સમાજ પાર્ટીનો મેનીફેસ્ટો

          ઉનાળામાં દહીં જામે એમ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. રાજકીય પક્ષો જીતે એવા ઉમેદવારો નક્કી કરવામાં  વ્યસ્ત છે. ચૂંટણી પંચ આ ચૂંટણી પર્વ ન્યાયી અને નિષ્પક્ષ રીતે ઉજવાય માટે આચારસંહિતાનો કડક અમલ કરાવી રહ્યું છે. આ ધમાચકડી વચ્ચે અમુક એવા પક્ષો પણ છે જે એમના અનુયાયીઓ માટે કંઇક કરી છુટવા માગતા હતા પણ કમનસીબે એમની સેવાભાવના સત્તાવાળા સમજી શક્ય નથી જેથી એમનો ચૂંટણી ઢંઢેરો પસ્તીમાં ગયો. ‘મજનુ સમાજ પાર્ટી’ (મસપા) એક આવી જ માન્યતાકાંક્ષિ પાર્ટી છે જેનો મેનીફેસ્ટો અમારે ત્યાં પસ્તી લેવા આવેલા ધોતીધારી મારવાડીની લારીમાંથી અમને મળ્યો છે. એમની મહત્વાકાંક્ષા બહુ રસપ્રદ છે. પુસ્તિકાના પહેલા પાના ઉપર પક્ષના ભાવી મતદારોને સંબોધીને પક્ષના પ્રમુખ નયનસુખ સંતોષી લખે છે કે ...
પ્રિય મતદાર ભાઈઓ,
          સંબોધનમાં ફક્ત ભાઈઓલખવા પાછળનો હેતુ એ છે કે આ પાર્ટી ફક્ત એવા ભાઈઓ માટે છે જેમને  સમાજમાં રોમિયો અને મજનુ જેવા મહાન પ્રેમીઓ સાથે ખોટી રીતે સાંકળીને બદનામ કરવામાં આવી રહ્યા છે. અમારી પાર્ટી એવા તમામ ભાઈઓની સમસ્યાઓને વાચા આપવા માંગે છે જે પોતાની પોળ કે સોસાયટીમા રહેતા, ઓફીસમાં સાથે કામ કરતા, કોલેજમાં ભણતા, મોલ, શાક માર્કેટ કે રસ્તા પર જોવા મળતા સ્ત્રી પાત્રો સાથે સ્વપ્રયત્ને, એટલે કે મા-બાપની મદદ વગર, ફક્ત ઘર વસાવવાકે થાળે પડવાના હેતુથી સીધો સંપર્ક પ્રસ્થાપિત કરવાની કોશિશ કરવા જતાં તિરસ્કાર, અપમાન અને તમાચાથી માંડીને મોટી શારીરિક ઈજાઓના ભોગ બનતા રહે છે. શું તમે પણ આ પ્રકારના અન્યાયથી પીડાવ છો ? તો અમારા પક્ષના ઉમેદવારને મત આપવા વિનંતી છે.
          અમારો પક્ષ કેટલીક નક્કર કામગીરી કરવા માટે કટીબદ્ધ છે. જેમ કે બુકાની પ્રથાની નાબુદી. પ્રથમ દ્રષ્ટિનો પ્રેમએ મસપાના સભ્યો માટે દૈનિક જ નહિ પણ દિવસમાં અનેક વાર બનતી ઘટના છે. પરંતુ મહિલાઓમાં ટુ-વ્હીલર પર બુકાની બાંધીને નીકળવાના રીવાજને કારણે આ કુદરતી પરંપરા લુપ્ત થવાના આરે છે. મલ્લિકા સમજીને દસ કિલોમીટર સુધી મોંઘુ પેટ્રોલ બાળ્યા પછી બુકાની પાછળથી પ્રગટેલા માજીના હાથે માર ખાવાની ઘટનાઓ વધતી જાય છે. ઘણા મિત્રોને તો બુકાની પાછળથી ઘરના દાગીના નીકળવાને કારણે ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવું પડ્યું છે. અમારો પક્ષ સત્તા પર આવશે તો બુકાની પ્રથા પર પ્રતિબંધ મુકશે અને એમ ન થાય તો છેવટે બુકાનીમાં ઉંમર પ્રમાણેનું કલર કોડીંગ દાખલ કરશે જેથી કયા મજનુ ભાઈએ ક્યાં અરજી કરવી એની ખબર પડે.
          આટલેથી ન અટકતા અમારો પક્ષ કોલેજોમાં ઉજવાતા રોઝ ડે’, ‘ફ્રેન્ડશીપ ડેઅને વેલેન્ટાઈન ડેજેવા દિવસો માટે કડક આચાર સંહિતા દાખલ કરવા માગે છે. જે અનુસાર રોઝ ડેના દિવસે દરેક કન્યાએ મસપાના ઉત્સાહી સભ્યે આપેલું ગુલાબ સ્વીકારવું ફરજીયાત રહેશે. એક કરતા વધુ સભ્યોએ આપેલા ગુલાબ મુકવા માટે ટોપલો પણ અમારા પક્ષ તરફથી જ આપવામાં આવશે. લાભાર્થીએ મળેલા ગુલાબ પૈકી કામના ગુલાબ રાખી અને બાકીના સંસ્થાની ઓફીસ પર જમા કરાવવાના રહેશે. પક્ષ દ્વારા આ રીતે એકઠા થયેલા ગુલાબમાંથી બનાવેલા ગુલકંદનું વેચાણ કરી અને મળેલા પૈસાથી એક મજનુ કલ્યાણ ફંડ ઉભું કરાશે. જેમાંથી વેલેન્ટાઈન ડેના દિવસે ઘાયલ થયેલા મજનુ ભાઈઓને તાત્કાલિક અને નિશુલ્ક સારવાર આપવા માટે ઠેરઠેર સેવા કેન્દ્રો ખોલવામાં આવશે. આ ઉપરાંત ફ્રેન્ડશીપ ડેના દિવસે કાંડા પર ફ્રેન્ડશીપ બેન્ડ બાંધવાને બદલે રક્ષા બંધનના દિવસે રાખડી બાંધીને પરાણે ધરમના ભાઈ બનાવવાની કુચેષ્ટાને કાયદાના દાયરા હેઠળ લાવવામાં આવશે.         
          આજકાલ યોગ્ય પાત્ર શોધવા માટે પક્ષના સભ્યો ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનો મોટા પાયે ઉપયોગ કરે છે. એમાં પણ સુંદર છોકરીઓના પ્રોફાઈલ પિક્ચર સાથેના નકલી એકાઉન્ટ બનાવીને પક્ષના યુવાન સભ્યોનો ટાઈમ બગાડવામાં આવે છે. આ સમયનો બગાડ કોઈ વ્યક્તિના સમયનો બગાડ નથી, સમગ્ર દેશના સમયનો બગાડ છે. આથી આ દુષણ નાબુદ કરવું જરૂરી છે. આ બાબતે જરૂર પડે તો માર્ક ઝુકરબર્ગનો સંપર્ક કરીને ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેમાં ફેસબુક પર એકાઉન્ટ ઓપન કરતી વખતે પ્રિન્સીપાલની સહી સાથેના ફૂલ સાઈઝના ફોટા તથા બર્થ સર્ટીફીકેટ અને ફોટો આઈ.ડી. પ્રૂફની સ્કેન કરેલી ઈમેજ પ્રોફાઈલ પર અપલોડ કરવી ફરજીયાત કરવામા આવશે. એટલું જ નહિ પણ એક પ્રપોઝનામની ખાસ એપ્લીકેશન શરુ કરવામાં આવશે જેનું લવાજમ ભરનારા સભ્યો પ્રોફાઈલ પર રાખેલા ‘Proposeબટન પર ક્લિક કરીને પોતાની પસંદગીના પાત્રને લગ્ન માટે સીધી દરખાસ્ત પણ મોકલી શકશે
          આ તો ફક્ત ઝલક છે, બાકી મ.સ.પા.ના મેનીફેસ્ટોમાં કોલેજોની બહાર બાયનોક્યુલર સાથેના બાંકડા મુકાવવાથી માંડીને મજનુ ભાઈઓને બાઉન્સર્સની સેવાઓ પુરી પાડવા સહિતના ઘણા સપના બતાવવામાં આવ્યા હતા. પણ નસીબ બિચારાઓના.

सुन भाई साधो...
સ્કૂટી- કાઈનેટીકને કીક મારી આપનારા હજાર મળશે,
પણ પલ્સારને કીક મારી આપનારું કોઈ નહિ મળે!