Monday, May 30, 2011

जाती स्वभाव न मुच्यते|


ડાયરેક રાજકોટ...ડાયરેક રાજકોટ...લીમડી-બગોદરાવાળા ઉતરી જજો....નાનો હતો ત્યારે પપ્પા સાથે એક સરકારી સરકારી જીમખાનાના વાર્ષિક મેળાવડામાં જમવા ગયો હતો. એ વખતે પ્રથા અનુસાર જ પંગત પાડી ને પાથરણા પર બેસી ને જમવાનું આયોજન હતું. એ વખતે ત્યાં એક પોલીસમેનને યુનિફોર્મ પહેરીને હાથમાં થાળ લઇને મોહનથાળ પીરસતો જોયેલો! મને મોહનથાળ બહુ ભાવતો પણ પોલિસની બીક એવી કે એ દિવસે બોલી શક્યો નહોતો!

સમજણો થયો ત્યારે તો 'બફેટ' કહેતા 'બુફે'ની પ્રથા આવી ગઈ. પણ મને એ વિચાર આવતો કે સંસ્કૃત સુત્ર 'जाती स्वभाव न मुच्यते' અનુસાર એ દિવસે પેલો પોલીસ અને બીજા પીરસનારા પોતાની જાત પર ગયા હોત તો? એટલે કે પીરસવાના કામમાં એમના વ્યવસાયની અસર આવી હોત તો? આ વાત પર મારી કલ્પના ના ગધેડાને જરા છુટું મુક્યું તો મારી કલ્પનાસૃષ્ટિના પાત્રો એ તોફાન મચાવી દીધું! આવું થાય તો કેવા કેવા દ્રશ્યો ઉભા થાય એ તમે પણ જરા વિચારી જુઓ.

જેમ કે લગ્ન જેવા પ્રસંગે પોલીસખાતા સાથે સંબંધિત વ્યક્તિ ને બોલાવતા પહેલા હજારવાર વિચારવું પડે. કારણ કે એ જો પોતાની જાત પર જાય તો ચાલુ વરઘોડાએ ૧૪૪ મી કલમ લાગુ પાડી દે અને દંડાવાળી કરીને 'સરઘસ' ને વિખેરી નાખે તો ક્યાં જવું? જો તમારે એમની સેવાઓનો સદઉપયોગ કરવો જ હોય તો એમને રસોડા પર ‘વોચ’ રાખવાનું કામ સોંપી શકાય. એમાં ધ્યાન એટલું રાખવું પડે કે એ ક્યાંક રસોડામાંથી ઘી-તેલના ડબ્બા બારોબાર વગે કરતાં મહારાજો સાથે સીધું સેટિંગ ન ગોઠવી દે! બાકી એ લોકો રિસેપ્શનમાં વર-કન્યા સાથે ફોટો પડાવવા માટે ઉભા રહે તો પણ જાણે જપ્ત કરેલી દારુની પેટીઓ આગળ ઉભા હોય એમ ઉભા રહી ને ફોટો પડાવશે એ નક્કી!

અમુક વ્યવસાયવાળા તો બહુ રમુજ પ્રેરક બની રહે. દા.ત. બસ કંડકટર! બસ કંડકટર ને પૂરીઓ પીરસવાનું ન કહેવાય. એ દિનો પૂરીઓ ભરેલો થાળ છાતીએ દબાવી ને નીચે બેઠેલા લોકોની થાળીમાં જોયા વગર 'બોલો બાકી માં છે કોઈ...' એમ બોલતો બોલતો એનું ટીકટીકયું વગાડતો નીકળી પડે! એને કહેવું પડે કે અલ્યા બધા બાકી છે. એ ઓછું હોય એમાં પાછો પૂછશે “તમારે કેટલી”? આપણે તુષારભાઈ ના શબ્દોમાં એને કહેવું પડે કે “આમ પૂછી પીરસાય નહિ”! નાનું છોકરું જોશે તો એ પૂછવા પ્રેરાશે “બાબાની ઉમર કેટલી? આ બેબીની આખી લેવી પડશે”. અલ્યા ભોગીલાલ, આ બેબી બાર પૂરી ખાય એવી છે તું મુક તો ખરો! બધી સમજાવટ પછી એ ભૂરો પૂરીઓ પીરસે પણ ખરો, પણ એક એક પુરીમાં પંચ થી કાણા પાડી પાડી ને!

કન્ડકટરના પોતાના લગ્નની જાન ઉપડતી હોય તો પણ એ છેક છેલ્લે બસ ઉપડે ત્યારે ચઢશે અને કહેશે "ડાયરેક રાજકોટ...ડાયરેક રાજકોટ ....લીમડી બગોદરાવાળા ઉતરી જજો...."! આતો જૂની વાત થઇ પણ આવું જ કૈક કન્ડકટરના ઘરની સ્મશાન યાત્રામાં પણ બને જો એ પોતાના વ્યવસાય ની અસર માંથી બહાર આવ્યો ન હોય તો. એનું ચાલે તો નનામી ની આગળના ભાગમાં ઘંટડી બાંધે અને પોતે દોરી પકડી ને પાછળ ચાલે! તમે એને સ્મશાનની ટીકીટો ફાડવા તો ન દો પણ એ રૂટમાં આવતા દરેક બસ સ્ટેન્ડ પર સિંગલ ઘંટડી મારી સ્મશાન યાત્રા ને ઉભી જરૂર રાખશે! એ પણ આદત મુજબ બસ-સ્ટેન્ડથી દૂર! અને એના 'મુસાફરો' એટલે કે સગા વહાલા પણ શિસ્તબદ્ધ રીતે લાઈન બંધ સ્મશાનયાત્રામાં ચઢશે! બધા ચઢી રહે એટલે ડબલ ઘંટડી વગાડી ને 'બાકી માં બોલ જો...' કહેતાક ને નનામી ના દંડા પર ટીકટીકીયું ખખડાવતો નીકળી પડે!

સૌથી સરળ કવિઓનો ભોજન સમારંભ! કળીઓથી ઘાયલ થનારા, પ્રિયાની રાહોને પાંપણથી વાળનારા અને કોયલના ટહુકા માત્રથી જ જેમનું પેટ સાફ આવતું હોય એવા એ કોમળ જીવો અહી અનોખી ભાત પાડે એ નક્કી. કામની વહેચણી પણ સરળ! જેવો જેનો ગમતો કાવ્ય પ્રકાર એવી વાનગી સોંપી દેવાની. છંદબદ્ધ લખતા હોય એમને મીઠાઈ સોંપવાની. માપનું પીરસશે અને માત્રા તથા લઘુ-ગુરુ એટલે કે નાના મોટાનું નું ધ્યાન રાખશે એટલે બગાડ પણ ઓછો થાય!

શાયરો આમ પણ ચટપટા અને મજેદાર શે'રથી છવાઈ જતા હોય છે. પણ એમને મીઠાઈ પીરસવાનું ન સોંપાય. કારણ એટલુંજ કે એ મહાશય ‘મત્લા’ અને ‘મક્તા’ની જેમ લડાવી લડાવીને મીઠાઈનાં ચકતા ‘પેશ’ કરે અને જો સામેવાળો એને ‘દુબારા...દુબારા’ કહીને ચગાવે તો મુશાયરાના પહેલા રાઉન્ડમાંજ બરફીની બાદબાકી થઇ જાય! સલામતી ખાતર એમને ફરસાણ પીરસવાનો હવાલો સોંપી શકાય. ગઝલની જેમ એના ઘરાક મીઠાઈ કરતાં ઓછા જ રહેવાના! બે ભજીયા વધારે ખાય એટલું જ!

માથે ‘કાલે ઘૂંધરાલે બાલ’વાળા અને બગલ થેલો ફીટ કરાવેલા સ્વપ્ન વિહારી કવિઓ, કે જેઓ એકધારી ભાવ સભર કવિતાઓ લખતા હોય એમને દાળ પીરસવાનું કહેવું. એ દાળ બરોબર હલાવી ને પીરસશે તો ‘આને રગડા જેવી મળી અને મને પાણી જેવી મળી’ ના ઝઘડા ન થાય! એજ રીતે મુકતકનાં માસ્ટરને કચુમ્બર અને હાઈકુ લખનાર ને ચટણી પીરસવાનું સોંપી શકાય. અછાંદસ લખનારાને તો બાકીના કવિઓ ભેગા થઇ ને જ ખીચડી કે પુલાવ વળગાડશે એટલે એની ચિંતા તમારે નહિ કરવી પડે!

બેંકવાળાને આમ પણ કામ કરવાની ટેવ ન હોય એટલે અહી પણ એ કોઈ કામમાં ન આવે! પણ એમને જો છુટો દોર આપો તો "જમ્યા એ જમા અને પરોઢિયે પામ્યા તે ઉધાર" ના ન્યાયે જો ‘બેલેન્સ’ મેળવવા બેઠા તો થઇ રહ્યો તમારો જમણવાર! અને ભૂલે ચુકે જો બેન્કના કેશિયરને પૂરીઓ ગણવા બેસાડ્યો તો ખલાસ. કારણ એટલું જ કે પહેલાતો એ થુંકવાળો અંગુઠો કરી ને પૂરીઓ ગણવાનું શરુ કરે અને પાછો ૧૦૦-૧૦૦ પૂરીઓ ની થોકડી બનાવી ને એની પર રબર બેન્ડ ચડાવે! જમનારને પણ પેનના લાલ-લીલા લીટાવાળી પૂરીઓ ખવડાવે એ જુદું! જેમના પત્ની બેંકમાં હશે એમને તો આ રોજનું હશે!

ખરો સીન થાય ડોક્ટરોને આ કામમાં જોતરો ત્યારે. એ જ્યારે ફૂલવડી પીરસવા નીકળે ત્યારે થાળીમાં ગણી ને છ ફૂલવડી મુકશે અને કહેશે “જમ્યા પછી એક એક, ત્રણ દિવસ માટે”! એનું ચાલશે તો દાળ પણ શીશીમાં ભરી આપશે અને પાછો શીશી પર આંકા પાડશે! તમારે ડોઝ મુજબ લેવાની! અને જો ડોક્ટર ને બદલે જો વૈદ્ય ના હાથમાં પડ્યા તો તો એ તમારુ જમવાનું બાજુએ રહી જાય એટલા વટવા-કુટવા-ચાટવાના ધંધે લગાડી દેશે! તમારે ચપટી મીઠું જોઈતું હોય તો એપણ એ તમને માત્રા પ્રમાણે આપશે, તે પણ પડીકીમાં! કેરીના રસમાં સુંઠ પીરસવાનું કામ તો જાણે એ સામે ચાલીને ઉપાડી લે અને એ માટે સારા માંહ્યલી સુંઠ પણ એ પોતાના ગાંઠના પૈસે લઇ આવશે! પણ તમારે ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે જાનવાળા ને એવયો પરોઢિયે એ સુંઠનું પાણી નરણા કોઠે પીવડાવવા નીકળી ન પડે! નહીતર જો એક સાથે આખી જાનનું જો 'પેટ સાફ' આવ્યું તો લગન લગન ની જગ્યાએ રહેશે અને તમે બીજા ધંધે લાગી જશો! એ લવણ ભાસ્કર તમારી દાળની વાટકીમાં એ ગૌમુત્ર પીરસી જાય એ પહેલા એને ત્રણ ચાર જણા એ ભેગા થઇ ને કાઢી જવો પડે નહીતર એ તમારો જમણવાર બગાડે!

ખેર આતો ફક્ત કલ્પના હતી. પણ ત્યારના અને આજના જમણવારોમાં કદાચ ફેર એટલો પડ્યો કે પલાંઠીવાળી ને બેસતા ત્યારે તેલના જે ડાઘ પેન્ટ પર પડતા હતા એ હવે કો’કની થાળીથી બરડામાં પડે છે! બાકી કીમતી ખોરાકનો બગાડ તો આપણે અત્યારે પણ એટલો જ કરી એછીએ! એ સમયે આપણા વડીલોને સામાજીક દાયિત્વનો ખ્યાલ ઓછો હશે એટલે થતો હશે તો અત્યારે દેખા-દેખીમાં કરીએ છીએ પણ થાય છે ખરો!
--
'બધિર' અમદાવાદી
૩૦-૦૫-૨૦૧૧

Saturday, May 21, 2011

બાલમ તો બાઘો જ સારો!

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો!

    આ હા હા.....ક્યાં મળે છે આવો સાવરિયો? કઈ ફેક્ટરીમાં બનતો હશે? કોઈ સરનામું આપે તો ડાયરેક્ટ ફેક્ટરી શો રૂમમાંથી ઉપાડીએ, પણ કોઈ કહે તો ને! જો તમે લગ્ન વયે પહોચેલી કન્યા હશો તો આ ગીત સાંભળીને તમારા મનમાં આવા જ પ્રશ્નો ઉઠ્યા હશે. નક્કી! જે બબુચકને સોરી, જે બાંકા સાંવરિયાને પામવા માટે તમે મહાદેવજીને આખ્ખા ચોખા તો શું બાસમતી ચોખાની આખી ગુણ ચડાવવા તૈયાર હતા તેને આવો જ કલ્પ્યો હતો ને? ડીટ્ટો? સ્કૂટી માગો અને સ્કોડા દઈ દે એવો? અને ‘સાંવરિયો...’ ગીત પણ એટલે જ ગમતું હતું ને કે બસ આવો એક મળી જાય એટલે ભયો ભયો?

    ઓછામાં પૂરું આજુબાજુ નજર કરતાં જીવ બાળવા માટે ઘણું બધું મળી આવતું હશે. તમારા ભાઈ ને પોતાની ડુગડુગી પર નચાવતી તમારી પોત્તાની ભાભી કે પછી દેખાવે મમરાના કોથળા જેવા પણ કરોડોમાં આળોટનાર ને લપેટમાં લેનાર તમારી બહેનપણી? અને પેલો પોતાના સાળાના ગલુડીયાના બર્થ ડે પર ગુલદસ્તો લઇ ને દોડ્યો આવતો તમારી બહેનપણીનો જીજો? હેં ને? તમે પણ મનોમન કહેતા હશો કે “હે ભોળાનાથ, મારા માટે પણ મારા ઈશારા પર નાચે એવો એક ‘સાવ ભોળો ને સાવ બાવરિયો’ બનાવ્યો તો હશે ને”?

     તો તમારા માટે મોકાણના સમાચાર એ છે કે તમે ખોબો માગો અને દરીયો આપે એવા સાવ ભોળાને સાવ બાવરીયા સાવરીયા આજ કાલ ભગવાને બનાવવાના બંધ જ કરી દીધા છે. હાલમા જે સાવરીયાઓનો જે ફાલ ઉતરે છે એમાં સાવ ભોળાને સાવ બાવરીયા બહુ ઓછા હોય છે અને જે હોય છે એ બજારમાં આવે એ પહેલાજ, એટલે કે સ્કૂલ કે કોલેજમાથી જ ચપોચપ ઉપડી જાય છે! અને બાકીના જે હોય છે તે શરીરે તેલ લગાવેલા પહેલવાન જેવા હોય છે, હાથમાં આવ્યા હોય તો પણ છટકી જાય એવા! પણ તમારે હિમત હારવાની જરૂર નથી. તમારામા જરાક મહેનત કરવાની હામ હશે તો તમે બાવરીયા સાવરીયા વગરના નહિ રહો. એટલે જો તમે જો હજુ પણ તમારો ગમતો બાવરીયો સાવરીયો ન વસાવી શક્યા હોવ તો અમે કહીયે એમ કરો.
    સહુ પહેલા તો એક વાત સમજી લો કે જેમ મદારીના કરંડીયામાં સાપ પડ્યો હોય એમ દરેક સામાન્ય  સાવરીયામા એક ભોળો-બાવરીયો સાંવરીયો પડ્યો જ હોય છે. તમારે ખાલી કુશળ મદારીની જેમ મોહક બીન વગાડી ને એને જગાડવાનો છે. પછી જુઓ એની કમાલ. તમારો સાંવરીયો દુનિયા દંગ રહી જાય એવા ખેલ બતાવશે! જરા આસ પાસ નજર દોડાવશો તો એક કહેતા દસ મળશે! તો એમાંથી એક ને પસંદ કરો અને થઇ જાવ તૈયાર!

    બીજી વાત. સાવરીયાઓની એક વિશિષ્ઠ ખાસિયત છે. અને એ ખાસિયત એ કે જે કોઇ છોકરી એને ધ્યાનથી સાંભળે એના 50% પ્રેમમાં તો એ ત્યાને ત્યા જ પડી જાય છે! એટલે એની વાતો ધ્યાનથી સાંભળો અથવા એટલીસ્ટ સાંભળતા હોવ એવી એક્ટિંગ કરો! ધ્યાન રાખજો, વાતો સાંભળવાનું કહ્યું છે એની વાતોમાં આવી જવાનું નહિ! હા, નહિ તો ગધેડા એ પહેલી ફૂંક માર્યા જેવું થશે!

    જરૂર પડે તો તમારી મમ્મીની સલાહ લો. આ સાવરીયા લોકોની ચાલાકીઓ પકડવામાં તમારી મમ્મી એ.સી.પી. પ્રદ્યુમન કરતા પણ વધુ અકસીર સાબિત થશે. સાંવરીયાના દરેક દાવનો તોડ એની પાસેથી મળશે. એ તમને કોઈ આલિયા માલિયા ના હાથે નહિ પડવા દે! સાથે સાથે તમારા પપ્પા બાબતે પણ ઘણું નવું જાણવા મળશે!

    એક અગત્યનો દાવ છે વાયદા કરો! આ દાવ ટ્રાય કરવા જેવો છે. એને મલ્ટીપ્લેક્ષ પર બોલાવો. પિક્ચર અડધું થવા આવે ત્યારે પહોચો. એ થીયેટરમાં જવા ગમે તેટલી ઉતાવળ કરે પણ તમે બહાર કેક શોપ પર એના જ પૈસે નિરાતે એકલેર પેસ્ટ્રી સાથે સોફ્ટ ડ્રીંક ઠઠાડતા રહો. છેલ્લે “એય, આજે તો ટીવી પર ‘ડાન્સ ઈન્ડીયા ડાન્સ’માં મારી કઝીન પરફોર્મ કરવાની છે and I dont wanna miss it” જેવા કોઈ બહાના નીચે એને લબડાવી ને ભાગી છુટો. પણ બીજા દિવસે લંચ બોક્ષમાં એના માટે તમારા મમ્મી એ બનાવેલો ગાજરનો હલવો લઇ જાવ અને તમારા હાથથી જ ખવડાવવાનું ભૂલતા નહિ. હા. હજુ પણ ગાજરનો હલવો એ હિટ ફોરમ્યુલા છે!

    આ બધું કર્યા છતાં આખરી કિલ્લાના કાંગરા ખેરવવા તો તમારે એના ઘરે જ જવું પડશે. જઈ ને કરવાનું શું? તો એક વાત યાદ રાખો કે સાંવરીયાઓ કબુતર જેવા હોય છે. એમના રૂમ અને કબુતરના માળા વચ્ચે કોઈ ફેર ન મળે! લબડતા મોબાઈલના કેબલો, અસ્તવ્યસ્ત ચાદર- ઓશિકા, ચોતરફ ફેલાયેલા ચોપડા, ગમે ત્યાં  પડેલા કપડાના ગંજ, ખુલ્લું લેપટોપ, પાણીની બોટલો, નાસ્તાના પડીકા બધું તમારી જ રાહ જોતું લાગશે! હા. એની મા પણ આ બધું જ તમને વળગાડી ને જાત્રા એ જવા, સોરી, (આજ કાલ એ બધું ડાઉન માર્કેટ છે) સિંગાપુર-પતાયા કે યુરોપની ટૂર મારવાની ફિરકમાં જ હશે! એટલે શરૂઆતની મુલાકાતોમાં થોડી મહેનત કરશો તો એ બકરીને તમારા ડબ્બામાં આવતા વાર નહિ લાગે! જો જો રખે એવું માનતા કે આ બધું તમારે આખી જિંદગી કરવું પડશે! આને તો ખાલી ઇન્વેસ્મેન્ટ ગણજો. પછી તો તમે તમારા પપ્પાને બધું જ કરતા જોયા છે ને? મમ્મીની ટ્રેઈનીંગ ક્યારે કામ આવશે? હોવ ત્યારે!       

    પણ એટલું યાદ રાખજો કે વહેલા કે મોડા સાંવરિયાઓને પણ અક્કલ આવે છે અને એ તમારા માટે મુશ્કેલી ખડી કરી શકે છે. માટે તમારે જરા પણ ઢીલુ મુકવુ નહી સમજ્યા? તો પછી શું કરવાનું? મુદ્દાનો સવાલ છે. એ બધું અહી કહું? અને આ બધું જો તમારો થનાર બાલમ વાચી જશે અને તમને રન આઉટ કરી દેશે તો?

    અને મારા માટે તમે એકલા થોડા જ છો? બીજા એવા પણ લોકો છે કે જેમનો પનારો અલરેડી ‘એડા’ કિસમના સાવરીયા સાથે પડી ચુક્યો છે અથવા તો જેમણે  અલરેડી સાવરીયો વસાવી લીધો છે પણ હાલત તૂરીયા સમજીને ગલકા ઉપાડી લાવ્યા હોય જેવી થઇ છે.
એમાના માટે પણ ઉપાય છે!

   પણ મહેબાન, કદરદાન, સાહેબાન... એના માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લઇ ને મળવું પડે!
--
'બધિર' અમદાવાદી