Sunday, April 24, 2011

જાગી ને જોયું તો દાંડીયા દીસે નહિ, મલિંગા અટપટા બોલ નાખે!

by Badhir Amdavadi on Sunday, April 24, 2011 at 7:40am
ગયા રવિવારે પૂણે વોરિયર્સ અને દિલ્હી ડેર ડેવિલ્સ વચ્ચે રમાયેલી I.P.L. ની મેચમાં પૂણે ની ટીમેં એક અલગ જ ચીલો પાડ્યો! ના, આ કંઈ બેટથી ‘ઉપર કટ’ કે ‘હેલીકોપ્ટર શોટ’ મારવાની વાત નથી. વાત છે પૂણે વોરિયર્સની ચીયર લીડર્સની, જે પરંપરાગત ભારતીય પરિધાન માં સજ્જ થઇ ને આવી હતી! અને એ આખી સીઝન દરમ્યાન ખેલાડીઓને પાનો ચડાવવા માટે દરેક ચોગ્ગા- છગ્ગા અને વિરોધી ટીમની વીકેટ પડે ત્યારે ભરતનાટ્યમ, લાવણી અને ભાંગડા ઉપરાંત બંગાલી, હરિયાણવી અને આપણા ગરબા કરી ને ખેલાડીઓને પાણી ચડાવશે! વાહ, અમને તો મજ્જા પડી ગઈ!
અમે પરંપરામાં માનનારા છીએ એટલે અમે તો પહેલેથી જ ચડ્ડી-બનિયાનધારી ચીયર લીડર્સના વિરોધી છીએ! પણ આપણું કોણ સાંભળે? છેલ્લે જયારે I.P.L.માં અમદાવાદની ટીમ ઉતારવાની શક્યતા ઉભી થઇ ત્યારે અમને આશા બંધાઈ હતી કે આપણી ચીયર લીડર્સ ને પણ આપણી પરંપરાને ઉજાગર કરવાની તક મળશે! ખેર, પછી તો જે થયું એ તમારી સામે જ છે પણ જરા કલ્પના તો કરો આપણી ટીમ બની હોત તો આપણા સ્ટેડિયમોમાં આપણી ચીયર લીડર્સ કેવી ધૂમ મચાવતી હોત! આ હા...હા... હા..
 • મેચ શરુ થાય એ પહેલા તો બાઉન્ડ્રી પરના એક મંચ પરથી ભુંગળના સૂર સાથે બુલંદ અવાજે ભવાઈ મંડળી ‘પ્રથમ તમે ગણપતિનું ધ્યાન તમે ધરજો રે, માનો મુજરો કરીને ચાચર રમજો રે...’ સાથે ગણપતિનો વેશ શરુ કરે અને સાથે નરઘાની ‘તા થૈયા થૈયા તા થૈ...’ એવી પ્રચંડ થાપ થાપ પડે કે સામેની ટીમના બોલરોની લાઈન – લેન્થ બગડી જાય!
 • આપણો પાર્થિવ પટેલ ખેંચી ને છગ્ગો મારે કે તરત બાઉન્ડ્રી પાસેના મંચ પરથી ‘હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગડા વખાણું...’ ચાલુ થાય અને સાથે જ મેર યુવક મંડળના કેડિયાધારી  યુવાનો પાંચ પાંચ ફૂટ ઉંચે કુદી ને રાસડા ચાલુ કરે તો ખેલાડીઓ પણ પાંચ મીનીટ રમવાનું પડતું મૂકી ને રાસ જોવા ભેગા થઇ જાય હો બાપલા!
 • જ્યારે સામા છેડે રમતો યુસુફ પઠાણ ચોગ્ગા- છગ્ગા રમઝટ બોલાવે ત્યારે સામે ‘રાધા-કૃષ્ણ સત્સંગ મંડળ’ની બહેનો નૃત્ય સાથે ‘વિઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ઓમ વિઠ્ઠલા...’ ની ધૂમ મચાવે તો કેવું વિરલ દ્રશ્ય સર્જાય! આ હા...હા...
 • આપણો સિદ્ધાર્થ ત્રિવેદી કે ઈરફાન પઠાણ કોઈના દાંડિયા ઉડાડે ત્યારે તો કાયદેસર ‘સ્ટ્રેટેજિક બ્રેક’ રાખી ને પણ ‘એક દાંડીયા રાસ તો બનતા હૈ’ કરી ને મચી પડવાનું! અને તમે જાણો છો એમ આપણી પબ્લિક તો ડિસ્કો થેકમાં પણ દોઢિયું ને પોપટિયું કરે એવી છે એટલે બાકી નું એ લોકો ઉપાડી લે! હમ્બો!
 • એવું બને કે જ્યારે સામેની ટીમનો બેટ્સમેન ઉં.....ચો કેચ ચડાવે ત્યારે એની સાથે જ મંચસ્થ ડાયરાના કલાકાર ‘હેં જી રે......’ની તાન વહેતી મુકે. સાથે હંમેશની જેમ મંજીરાવાળા અને તબલાવાળા હમણવા મંડી પડે! અને જો કેચ થઇ જાય તો ‘....ગોકુળ આવો ગિરધારી સુધી’ નો દૂહો પુરો કરવાનો, નહીતર ‘તાક ધીન તા ધીન તા ધીન તા ધા...’ એમ તિહાઈ મારી ને પેટી બંધ કરી, તબલા-મંજીરા લઇ ને ઉતરી જવાનું!      
 • જ્યારે સામેવાળા આપણી વિકેટ લે ત્યારે બીજા મંચ પરથી ખાદીની સાડીમાં સજ્જ નારી સંરક્ષણ ગૃહની બહેનો મંજીરાના તાલે ‘જાગી ને જોયું તો દાંડીયા દીસે નહિ, મલિંગા અટપટા બોલ નાખે’ કે પછી ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ...’ નું ભજન ઉપાડે તો વિકેટ ગયાનો વસવસો ભક્તિરસના પુર માં વહી જાય જાય!
 • પીચ તૂટી ગઈ હોય અને આપણી વિકેટો ટપોટપ પડતી હોય ત્યારે મંચ પરથી ‘કામદાર કલ્યાણ મંડળ’ ની બહેનો કાછોટોવાળી ને ‘ટીપ્પણી’ નૃત્ય કરી શકે! થોડુ ઇનોવેશન કરવું હોય તો એમને  પીચ પર આંટો મારવાનું પણ કહી શકાય!
‘યે તો અભી ઝાંખી હૈ મુંબઈ કે કોરિયોગ્રાફર ઔર ડ્રેસ ડીઝાઈનર અભી બાકી હૈ’! ઉંચી ફી આપીને ગુજરાતનું નામ રોશન કરવા બહારથી બોલાવેલા આ ખાં સાહેબો આપણી ગુજરાતની થીમ પર કામ કરે તો જરા વિચારી જુઓ કેવી ધૂમ મચી જાય? અને આ બધાનું પાછું લાઈવ ટેલીકાસ્ટ થાય, એટલે આખી દુનિયામાં ગુજરાત નો ડંકો પણ વાગી જાય! સાચું કે નહિ? આવું તો ઘણું બધું થઇ શકે એમ હતું પણ અમદાવાદની ટીમ ઉતારવાનો ખયાલી પુલાવ ચૂલે ચડ્યો નહિ અને આપણે ભાગે વાંઢો જણ ફૂલેકું જોતો હોય એમ જોઈ રહેવાનું આવ્યું! અને પાછી અમદાવાદમાં એક પણ મેચ રમાવાની નથી એટલે આપણે ‘ઘર ઘર મેં દિવાલી હૈ મેરે ઘર મેં અંધેરા...’ ગાવા નું એ જુદું!

હશે, નસીબ એમના. બાકી ગુજરાત એમ કઈ સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે આવી મેચો નું મોહતાજ હતું નહિ અને છે પણ નહિ! આ બધું કરવા માટે આપણી પાસે શૌચાલયના લોકાર્પણથી માંડી ને બ્રિજના ખાત મુહુર્ત સુધીના ઘણા કાર્યક્રમો છે અમે ત્યાં આપણી સંસ્કૃતિને શો-કેસ કરીશું!

જય જય ગરવી ગુજરાત!   

Friday, April 8, 2011

નેનો બડી કે ભેંસ?

એવાં સમાચાર છે કે નેનો કાર (૧.૪ લાખ) કરતાં કચ્છની બન્ની ભેસ (૨.૫ લાખ) મોંઘી છે !
અને રાજકીય પક્ષો દ્વારા દોરવાયેલા કેટલાક લોકો એવું પણ કહે છે કે નેનો કરતાં ભેંસ લેવી સારી પડે!

એમની માન્યતા એમને મુબારક. ખોટા પ્રચારથી ભરમાશો નહિ. ભેંસની સામે નેનોના જે ફાયદા અમને દેખાયા છે એની પર જરા નજર નાખશો એટલે દૂધનું દૂધ અને પેટ્રોલનું પેટ્રોલ થઇ જશે.....

 1. નેનો ને સ્ટાર્ટ કરવા માટે કલ્લાક સુધી ડચકારા બોલાવવા પડતા નથી!
 2. ભેંસમાં વાઈપર પાછળ હોય છે. એ ડીઝાઈન ની ખામી કહેવાય.
 3. નેનોની લાઈટમાં બેસી ને ભાગવત વાંચી શકાય છે!
 4. પાછા આવીએ ત્યારે નેનો જ્યાં પાર્ક કરી હોય ત્યાં જ ઉભી હોય છે! ક્યાય ચરવા જતી રહેતી નથી!
 5. ભેસમાં સાઈડ સિગ્નલ હોતું નથી આથી પાછળવાળા ને તકલીફ થાય છે.
 6. નેનોને ધોવા માટે મોટો હોજ બનાવવો પડતો નથી, ફક્ત ભીના કપડાથી ચાલી જાય છે.
 7. નેનો પાણી ભરેલા ખાબોચિયામાં બેસી જતી નથી અને પાણીમાં જાય તો તરત બહાર નીકળી જાય છે.
 8. ભેંસમાં સોલીડ વેસ્ટ અને પી.યું.સી.ના પ્રોબ્લેમ છે.
 9. નેનો ટ્રાંસ્ફર કરવા માટે આર.સી. બુક ફરજીયાત છે. જ્યારે ભેંસ 'જિસ કી લાઠી ઉસકી ભેંસ' નિયમ મુજબ ટ્રાન્સફર થાય છે!
 10. ભેંસ આર.સી. બુક ખાઈ જાય એવું પણ બને!
 11. નેનોમાં પેટ્રોલ પુરાવવામાં ભેસની જેમ કલાક થતો નથી.
 12. જાડી સ્ત્રીને નેનો કહીએ તો ખુશ થાય, ભેંસ કહીએ તો થાય?
 13. નેનો ૮૦ની સ્પીડે ભાગી શકે છે, ભેંસ ભગાડી બતાવો!
 14. નેનો ગમે તેટલી જૂની થાય એની પર બગાઈઓ થતી નથી.
 15. મોદીજી ભેંસ માટે જમીન આપતા નથી!
 આ સિવાય અમારા જેવા કોઈ નેનો પ્રેમીને બીજા ફાયદા જડતા હોય તો કહો....