Tuesday, February 1, 2011

ખરાખ્યાન!

એક ગધેડો કોઈ રાષ્ટ્રીય નેતાનું પોસ્ટર ચાવી ગયો,
અને પછી તો એ ગધનો તાનમાં આવી ગયો!

પળભરમાં એને ત્રણે કાળનું જ્ઞાન થઇ ગયું,
પોતે સાવ ગધેડો નથી એનું એને ભાન થઇ ગયું.

પહેલાં તો એણે એક સારું સ્થાન ગોતી લીધું,
પછી મોજથી જરા આળોટી લીધું,                    

કાન  હલાવી, ખરી પછાડી એ તૈયાર થઇ ગયો,
ગઈ કાલનો ગધેડો પળભરમાં તોખાર થઇ ગયો.

હવે એ જે કંઈ કરે એ જરા સ્ટાઈલથી કરે છે,
પોળ, પાદર છોડી ને સી.જી. રોડ પર ચરે છે.

જ્યારથી એણે ગુલાબી ગાંધી છાપ નો સ્વાદ ચાખ્યો છે,
ત્યારથી આચર-કુચર ચરવાનો ઉપક્રમ બંધ રાખ્યો છે.

ઈંટવાડાથી સાઈટના ફેરા એ કમાન્ડો લઇ ને કરે છે.
હમણાથી એ હોંચી હોંચી ને બદલે માત્ર જાહેર નિવેદન કરે છે.

પછી તો નેતા જેવા નખરા એ શીખી ગયો બે ચાર.
અને એક દિવસ ઉકરડે ચડી ને એણે કર્યો પોકાર.
કહે,
હે વૈશાખનંદનો,
આડિયું ફગાવીને સહુ મુક્ત થઇ જાવ,      
દુનિયાભરના ગધેડાઓ, એક થઇ જાવ!

ક્યાં સુધી આપણે માણસોના જુલમ સહીશું?
ક્યા સુધી આ કમરતોડ ભાર વહીશું?
હવે તો ખર અધિકાર પંચ ને અરજી કરીશું,
અને એક દિવસ આપણો હક્ક લઇ ને જ રહીશું.

અરે તુચ્છ માનવો,
તમે અક્કલ વગરના ને ગધેડો કહો છો,
વૈતરું કરનારને અમારો ભાઈ ગણો છો,
અરે, તમારું કઈક તો સરખું સ્ટેન્ડર્ડ રાખો,
હવેથી કોઈ સારા માણસ ને ગધેડો કહેવાનું રાખો!

પછી તો એ માગણીઓનું લાંબુ લિસ્ટ વાંચી ગયો,
સાંભળીને એક એક ગધેડો તાનમાં આવી ગયો!
કેટલાકે તો ગળાને છુટ્ટું જ મુકી દીધુ,
અને ઉચા સાદે મન મુકી ને ભૂંકી લીધુ!

લીસ્ટમાં શું હતું?
હવેથી માલ અને માઈલેજ પ્રમાણે નૂર વસુલાશે,
આપણી ઉપર બેસનારની પણ ટીકીટ લેવાશે.

ડફણાથી એન્કાઉન્ટર કરનાર ને આપણે ઠીક કરીશું,
નહિ તો એને તો સી.બી.આઈ.ની તપાસમાં ફિટ કરીશું.

માણસના ડચકારા પર હવે અમે નહી દોડીએ,
અમારો ચારો ખાઈ જનાર ને અમે નહિ છોડીએ,

અમારા વિશ્વમાં અમારું જ તંત્ર રહેશે,
પોતાને ગમતી ગધેડી પસંદ કરવા માટે દરેક ગધેડો સ્વતંત્ર રહેશે.

હવેથી પહેલી તારીખે હાથમાં પગારનો ચેક હશે,
અને ધોડાની રેસમા આપણો અલગ ટ્રેક હશે,

કહેવતોમાંથી અમારો ઉલ્લેખ દૂર કરાવીશું,
આપણી આગળ લટકાવેલું ગાજર દૂર હટાવીશું.

અરે 'ખર-સુતો',
'ના હું તો ગાઈશ' નો પાઠ પાઠ્ય પુસ્તકમાંથી રદ થશે,
અને હવે તો એક એક ગધેડો ભૂંકવામાં વિશારદ થશે,

હવે તો આપણને બુલંદ અવાજે ભૂંકતા કોઈ નહિ રોકી શકે,
ન તો આપણને રીવર ફ્રન્ટ પર આળોટતા કોઈ ટોકી શકે,    

પછી તો વાતો, લાતો અને હાકલો ઘણી થઇ,
અને હોકારા પડકારા વચ્ચે સભા પૂરી થઇ.
 
એવામાં એક દિવસ એને એક મંત્રીનો ભેટો થયો,
એની સાથેની વાતચીતથી એ ઘણો પ્રભાવિત થયો.

એણે કહ્યું,
મને તમારો શાગિર્દ બનાવો,
અને દર પાંચ વર્ષે ચૂંટાવાનો કીમિયો બતાવો!

નેતા કહે,
કીમિયો બહુ સરળ છે.
આ દેશની જનતા બહુ ભોટ છે જે વોટ આપ્યા પછી સુઈ જાય છે,
અને એમાંજ આ બંદાનું કામ થઇ જાય છે!
દર ચુંટણીએ એમની આગળ વચનોનું ગુલાબી ગાજર લટકાવી દઉં છું,
અને એમ ને એમજ દર પાંચ વર્ષે ચૂંટાઈ જઉં છું!

સાંભળીને એ ખર નેતા વિચારમાં પડી ગયો,
એના મગજ પર પડેલો પડદો ઉપડી ગયો. 
એને લાગ્યું કે માણસ બની ને ગધેડા બનવું,
એના કરતા તો આપણે ગધેડાજ સારા છીએ.....(૩)

* આડિયું = તોફાની ગધેડા ને કાબુમાં રાખવા માંટે એના ગળામાં લટકાવેલું લાકડું
--
'બધિર' અમદાવાદી