Tuesday, November 23, 2010

ટ્રેંવ... ટ્રેંવ... કરતા રહો!

કોલેજથી આવીને અમે ફ્લેટ્સના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા ત્યારે એક પીંજારો સાયકલ પર એનું રૂ  પીંજવાનું ધનુષ (કામઠું) લઇ ને આવતો. એ આવે અને બધા ફ્લેટ્સ વચ્ચે આંટો મારી ને સુનો સુનો નીકળી જતો.

એક વાર મેં એને રોક્યો, પૂછ્યું, 'ભાઈ, બધા પીંજારા ધનુષ પર 'ટ્રેંવ.. ટ્રેંવ... ટ્રેંવ... ટ્રેંવ...' એવો અવાજ કરતા કરતા નીકળે છે, તમે કેમ નથી કરતા'?  
એ કહે - 'અંદર જમાદાર સાહેબ બેઠા છે એમણે અવાજ કરવાની ના પાડી છે'. (ઉચ્ચ સરકારી અધિકારીઓની કોલોની હતી એટલે)
મે કહ્યું - 'તમે અવાજ નહિ કરો તો તમને ધંધો કેમ મળશે'?
એણે આકાશ સામું જોયું! હું સમજી ગયો.

હું તરત ડ્યુટી પરના કોન્સ્ટેબલ પાસે ગયો અને સમજાવ્યું કે બપોરે ૧૨ થી ૪ સિવાય કોઈને રોકવા નહિ. એ સમજી ગયો.મે પિંજારા ભાઈ ને ફરી 'ટ્રેવ.. ટ્રેવ... ટ્રેવ... ટ્રેવ...' કરતાં કરતાં આંટો મારવાનું કહ્યું. મે પણ એક બે વાર ટ્રેંવ.. ટ્રેંવ...  વગાડી લીધું હોં કે!

આંટો મારી ને એ અડધા કલાકે પાછા આવ્યા, એક ગ્રાહક પતાવીને!

કૃતજ્ઞતા ભરી નજરે મારી સામે જોતા જોતા એ ભાઈ મેઈન ગેઈટની બહાર નીકળી ગયા! અલબત્ત, 'ટ્રેંવ.. ટ્રેંવ... ટ્રેંવ... ટ્રેંવ...' કરતા કરતા!

આ વખતે એના 'ટ્રેવ.. ટ્રેવ...' માં મને ગાંડીવનો ટંકાર સંભળાયો!

Moral of the Story: 'ટ્રેંવ.. ટ્રેંવ... ટ્રેંવ... ટ્રેંવ...' કરતા રહો!
--
by Badhir Amdavadi on Thursday, September 23, 2010 at 7:34pm

Friday, November 19, 2010

બધિર હું કે તું?

એપ્લાય કરીને બેઠો છું જરા રીપ્લાય તો કર,
પેંડીન્ગ છે ડિમાન્ડ મારી, કંઇ સપ્લાય તો કર!

સરે આમ નીકળ્યો છે મારી મુસીબતોનો વરઘોડો,
હવે દાઝ્યા પર ડામ જેવો આ ડાન્સ તો ના કર!

તું સુદામા અને અર્જુનનો તો હતો, મારો શું છે?
તું ભાઇબંધ છે કે ભાડુઆત એનો ફડચો તો કર.

આગ લાગી છે આ જીવતરમાં જરા ટાઢીતો કર,
ખાલી સાબુ લગાડી બેસાડ્યો છે દાઢી તો કર!

-'બધિર' અમદાવાદી

Sunday, November 14, 2010

લગ્ન - ૫૦% સુખની ગેરંટી!

તમે જો મારો ફૂલદાની,
અને અમે ચૂકવી દઇએ તો અમે ખુશ,
નહીતર તમે ખુશ!

તમારા નસકોરાં બોલે,
એ પહેલા સુઈ જઈએ તો અમે ખુશ,
નહીતર તમે ખુશ!

તમારા પિયરિયા આવે,
અને અમે પરગામ હોઈએ તો અમે ખુશ,
નહીતર તમે ખુશ!

ધોઇ-ઉટકીને ઢળી પડ્યા,
હવે કોઇ સારો રામલો મળે તો અમે ખુશ,
નહિતર તમે ખુશ!

બાજુનું ઘર ખાલી થયું,
હવે કોઈ સુંદર પડોશણ મળે તો અમે ખુશ,
નહીતર તમે ખુશ!

આતો લગ્ન ગ્રંથી છે પ્રિયે,
કંઇ કરતાં જો છુટે તો અમે ખુશ,
નહિતર તમે ખુશ!

આ ભવમાં ભલે મળ્યા,
આવતે ભાવ બીજી મળે તો અમે ખુશ,
નહીતર તમે ખુશ!
- 'બધિર'

Wednesday, November 3, 2010

બસ નશો જ નશો છે!

વાસણાનો રહીશ મઘમઘતો જો જણાય,
તો એ સુએજ ફાર્મની વાસનો નશો છે.

ક્રિકેટના લાઈવ ટેલીકાસ્ટમાં સરકારી સાહેબ જો દેખાય,
તો એ મફત માં મળેલા પાસનો નશો છે.

વહેલી સવારે કોઈ વીરો ઝૂમતો જો દેખાય,
તો એ રાત્રે છીપાવેલી પ્યાસનો નશો છે.

ગાળામાં હાર ને મોં પર ગુલાલ સાથે નો નેતા જો દેખાય,
તો એ પ્રજાએ દર્શાવેલા વિશ્વાસ નો નશો છે.

ચાર રસ્તે ડોલતી, મદમાતી ગાય જો દેખાય,
તો એ ભક્તો એ નીરેલા ઘાસ નો નશો છે.

'જઈ' આવ્યા પછી (ક્યાં એ નહિ પૂછવાનું સપરમા દા'ડે)
હા તો,
'જઈ' આવ્યા પછી  મોં પર હાશ જો દેખાય,
તો એ ત્યાગ પછીની હળવાશ નો નશો છે.
--
'બધિર'